દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સામાન્ય રીતે રોશની અને ખરીદીથી ધમધમતા ઘોઘંબાના મુખ્ય બજારોમાં આ વખતે મંદીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. તહેવારના દિવસો નજીક હોવા છતાં બજારોમાં ગ્રાહકોની અપેક્ષિત ચહલ-પહલ ન દેખાતા સ્થાનિક નાના-મોટા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
દિવાળીના તહેવારને ધ્યાને રાખી ઘોઘંબાના વેપારીઓએ કાપડ, કરિયાણુ, પુજાપો, રેડિમેડ કપડા, ઈલેકટ્રોનિકસ, અને સુશોભનની વિવિધ ચીજવસ્તુઓનો નવો સ્ટોક મંગાવી દુકાનોને આકર્ષક રોશનીથી સજાવી છેે. વેપારીઓની આશા હતી કે, તહેવારોની સીઝનમાં ધંધા-રોજગારમાં સારો ઉછાળો આવશે. અને બજારોમાં વકરો થશે. જોકે અપેક્ષા મુજબ ગ્રાહકોની ભીડ ન આવતા વેપારીઓની આશા પર હાલ પુરતુ પાણી ફરી વળ્યુ છે. સ્થાનિક બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી પાછળ વધતી જતી મોંઘવારી મુખ્ય પરીબળ હોવાની ચર્ચા વેપારી વર્ગમાં ચાલી રહી છે. ધરખર્ચ અને રોજિંદા જીવન જરિયાતની ચીજોમાં ભાવ વધારાના કારણે સામાન્ય નાગરિકો તહેવારોની વધારાની ખરીદીમાં કાપ મુકી રહ્યા છે. અથવા સાવચેતીપુર્વક ખર્ચ કરી રહ્યા છે. ઘોઘંબા બસ સ્ટેન્ડ ખાતે સામાન્ય દિવસોની સરખામણીએ મુસાફરોની અવર જવર પણ ઓછા પ્રમાણમાં નોંધાઈ છે. ધનતેરસ અને કાળીચોૈદશ જેવા દિવાળીના અંતિમ દિવસોમાં ગ્રામિણ વિસ્તારોમાંથી ગ્રાહકો ખરીદી માટે ઉમટે છે કે નહિ, વેપારીઓ હજુ પણ આશા સેવી રહ્યા છે.