
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ગામે મોબાઈલ સ્ટેટસમાં ફોટો મુકવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલા એક આધેડનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગત એવી છે કે, ઘોઘંબાના નિશાળ ફળિયામાં રહેતા દિનેશભાઈ ભીખાભાઈ લુહારના દીકરાએ પોતાના મોબાઈલ ફોનના સ્ટેટસમાં કમલેશભાઈ ઓડ અને દિનેશભાઈ ઓડનો ફોટો મૂકીને “ફાધર્સ ડે લખ્યું હતું. આ બાબતની અદાવત રાખીને ગામના જ ઓડ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો કમલેશભાઈ ભલાભાઈ ઓડ, મહેશભાઈ ગોવિંદભાઈ ઓડ અને અશ્વિનભાઈ બાબુભાઈ ઓડ ઉશ્કેરાઈને દિનેશભાઈ લુહારના ગત ૨૧ જૂનના રોજ ઘરે ધસી આવ્યા હતા. ત્રણેય ઇસમોઓએ “તારા છોકરાએ ફાધર્સ ડે લખી અમારો ફોટો સ્ટેટસમાં કેમ મૂક્યો છે, હું તમારો વેવાઈ લાગું છું?” તેમ કહીને અપશબ્દો બોલીને ઝઘડો શકર્યો હતો.આ દરમિયાન મામલો બિચકતાં કમલેશભાઈએ લાકડી વડે દિનેશભાઈને ડાબા પગમાં ફટકા માર્યા હતા, જ્યારે અશ્વિનભાઈએ નેતલબેનને ગાલ પર થપ્પડ મારી દીધી હતી. તે જ સમયે મહેશભાઈ ઓડે દિનેશભાઈ લુહારને પકડી રાખીને તેમનું માથું ઘરની દીવાલ સાથે જોરથી અથડાવી દીધું હતું, જેના કારણે તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક ઘોઘંબા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર અપાવી ઘરે લાવવામાં આવ્યા હતા, પરંતુ તબિયત વધુ બગડતાં તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં લાંબી સારવાર બાદ આખરે ગઈકાલે સારવાર દરમિયાન દિનેશભાઈ લુહારે દમ તોડ્યો હતો. આ ઘટના અંગે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ તરફથી ટેલિફોનિક વરધી મળતા જ રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીએ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પત્ની નેતલબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને અટકાયત કરવા ચક્રો ગતિમાન કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.