પાવી જેતપુર તાલુકાના અણિયાદ્રી ગામની પ્રાથમિક શાળા નંબર 1 ની કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં મોટા પાયે ગોબાચારી થઈ રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનોએ કામમાં હલકી ગુણવત્તાની અને કાચી ઈંટો વાપરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ પ્રાથમિક શાળાનું નવું મકાન થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું હતું. હવે તેની કમ્પાઉન્ડ વોલનું કામ ચાલી રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા જૂના પાયા પર જ નવા પાયાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વપરાતી ઈંટો પણ અત્યંત કાચી અને હલકી કક્ષાની હોવાનું કહેવાય છે.
શાળાના આચાર્યએ કામ શરૂ થતાં જ ઈંટોની ગુણવત્તા અંગે સર્વ શિક્ષા અભિયાનના ટી.આર.પી.ને જાણ કરી હતી. જોકે, ટી.આર.પી.એ આ ઈંટો યોગ્ય હોવાનું જણાવીને કામ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તાજેતરમાં, ગામના આગેવાનો અને ડેપ્યુટી સરપંચ સહિતના લોકોએ કમ્પાઉન્ડ વોલના ચાલી રહેલા કામની મુલાકાત લીધી હતી. તેમણે કામની ગુણવત્તા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને યોગ્ય તપાસ ન કરે ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ કરી હતી.
સાવ હલકી કક્ષાની અને કાચી ઈંટો કમ્પાઉન્ડ વોલમાં વાપરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ આ મામલે સઘન તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.