દાહોદના ચાંદાવાડા ગામના માનસિંગભાઈ ડામોર પ્રાકૃતિક ખેતી કરીને ચાર લાખથી વધુની મેળવી રહ્યા છે આવક

આવનાર ભવિષ્યની પેઢીને રોગમુક્ત રાખવા માટે અને જમીનને ફળદ્રુપ જ રાખવા માટે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળો: પ્રગતિશીલ ખેડુત માનસિંગભાઈ ડામોર

ચાંદાવાડા ગામના પ્રાકૃતિક ખેડૂત માનસિંગભાઈ ડામોર 2017 થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી જેમાં તેઓએ સૌપ્રથમ અડાલજ ખાતે સુભાષ પાલેકર કૃષિ હેઠળ તાલીમ ત્યારબાદ ખેડાના દેથલી અને દાહોદ KVK ખાતે તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ફાર્મ પર ત્રિ-દિવસે તાલીમ મેળવી હતી. ત્યારબાદ તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે અને આ ખેતીમાં તેઓ પોતે ગાય આધારિત જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર જેવા આયામો બનાવીને તેના દ્વારા ખેતી કરે છે. જેમાંથી તેઓને વાર્ષિક 4 લાખથી વધુની આવક થાય છે.

ખેડૂત માનસિંગભાઈ ડામોર ખેતીમાં ઘઉં ચણા મકાઈની વાવણી કરે છે, તેઓ એક એકરમાં 45 જામફળના ઝાડ 40 લીંબુ 45 આંબા 45 સફરજન કેળા ,શેરડી 30 દાડમ 15 ચીકુ 10 સરગવાના ઝાડ 20 મોસંબી સહિતના ફળ-ફળાદીના ઝાડવાઓની વાવણી કરેલી છે. તેની સાથે ઝાડવાઓની વચ્ચે શાકભાજીઓનું વાવેતર કરેલું છે જેમાં રીંગણ ટામેટા ભીંડા હળદર મરચાનું વાવેતર કરેલ છે.

માનસિંગભાઈ ડામોર પ્રાકૃતિક ખેતીમાં વપરાતા જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર જેવા આયામો બનાવીને તેનું વેચાણ કરે છે સાથે જ તેઓ પોતાના ઘરે પકવેલ હળદર, મરચાને પાવડર બનાવી તેનું વેચાણ કરે છે જેમાંથી તેઓને તારી આવક મળી રહે છે. સાથે જ તેઓને જીલ્લા કક્ષાના સ્વદેશ મેળાઓમાં પણ સ્ટોલ લગાવવા પસંદ કરવામાં આવે છે. આવા મેળાઓમાં પણ તેઓને એક જગ્યાએ શાકભાજી સહિતના વેચાણ કરી સારી એવી આવક મેળવે છે.

પ્રગતિશીલ ખેડૂત માનસિંગભાઈ ડામોર પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂં છું. ખેતીમાં અનાજ, ફળફળાદીના વૃક્ષો, શાકભાજી, ખેતી કરૂં છું. જેમાં હું મારા ઘરે બનાવેલા જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર ઉપયોગ કરૂં છું. પ્રાકૃતિક ખેતીથી કરેલા પાકમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરતા હોય તેના કરતા વધારે ઉત્પાદન આપે છે. પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી, અનાજ, ફળફળાદી ખાવાથી માણસામાં કોઈ પણ પ્રકારના રોગ આવતા નથી અને શરીર તંદુરસ્ત રહે છે. દાહોદ જીલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરૂં છું. આવનાર ભવિષ્યની પેઢીને રોગમુક્ત રાખવા માટે અને જમીનને ફળદ્રુપ જ રાખવા માટે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી હું વિનંતી કરૂં છું.