દાહોદ જિલ્લામાં વરસાદની ૪૫ ટકા ધટ : રવિ વાવેતરમાં ૮૮.૬૬ ટકાનો ધટાડો

દાહોદ જિલ્લામાં આ વર્ષે વરસાદની ધટની અસર હવે સીધી ખેતરોમાં જોવા મળી રહી છે. ચોમાસામાં મેઘરાજાએ હાથતાળી આપતા જમીનમાં પુરતો ભેજ રહ્યો નથી. તો તળાવો અને ચેકડેમોમાં પણ પાણીનો સંગ્રહ ઓછો રહેતા સિંચાઈના વિકલ્પો મર્યાદિત બન્યા છે. પરિણામે રવિ સીઝનમાં વાવણીના સમયે જ જિલ્લાના સંખ્યાબંધ ખેતરો વાવણી વિના ખાલી પડ્યા છે. ખેતીવાડી વિભાગના ૧૬ નવેમ્બર સુધીના આંકડા મુજબ ગત વર્ષે ૪૦,૫૪૮ હેકટરમાં રવિ વાવેતર થયુ હતુ. જેની સામે ચાલુ વર્ષે માત્ર ૪,૬૦૦ હેકટરમાં જ વાવેતર થયુ છે. આમ ગત વર્ષની સરખામણીએ ૩૫,૯૪૮ હેકટર એટલે કે ૮૮.૬૬ ટકાનો ધટાડો નોંધાયો છે.

દાહોદ જિલ્લામાં ચોમાસાનો સામાન્ય વરસાદ ૬૬૯.૭ મી.મી.છે. જેની સામે આ વર્ષે માત્ર ૩૬૮.૮ મી.મી.વરસાદ નોંધાતા ૩૦૦.૯ મી.મી.એટલે કે ૪૫ ટકાની ધટ રહી હતી. ધઉંના વાવેતરમાં ૯૪.૮૯ ટકા અને ચણામાં ૯૪.૭૪ ટકા નો ધટાડો થયો છે. ઓછા પાણીમાં થઈ શકતા ચણાની પાકની વાવણી પણ ધટી જવી એ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. બિયારણ, ખાતર, અને મજુરી ખર્ચ કર્યા બાદ પાણી નહિ મળે તો પાક નિષ્ફળ જવાની ભિતીથી ખેડુતો વાવણીનુ જોખમ લેવા તૈયાર નથી. પરિણામે અનેક ખેતરોમાં લીલાછમ રવિ ખેતીના બદલે ખાલી જમીન નજરે પડી રહી છે. આ સ્થિતિ માત્ર ખેતીની આવક જ નહિ ૫રંતુ ખેત મજુરો અને પશુપાલન આધારિત ગ્રામ્ય અર્થતંત્ર માટે પણ ચિંતાનો વિષય બની છે.ૃ