છોટાઉદેપુર જિલ્લામાં નાના કોન્ટ્રાકટરોને રોજગારીથી વંચિત રાખવાના આક્ષેપ સાથે ડી.ડી.ઓ.ને રજુઆત

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહાર પાડેલા પંચાયત ધરોના કામો અંગે વિવાદ ઉભો થયો છે. સ્થાનિક નાના કોન્ટ્રાકટરોને રોજગારીથી વંચિત રાખવાનો કારસો રચાયો હોવાનો આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.

અધિકારીઓ અને મોટા કોન્ટ્રાકટરો વચ્ચે સેટિંગ માર્ગ મકાન વિભાગના એક્ઝિકયુટિવ એન્જિનીયર અને તાલુકા કક્ષાના ડેપ્યુટી એન્જિનીયરો મોટા કોન્ટ્રાકટરો સાથે મિલીભગત કરી નાના કોન્ટ્રાકટરોને ધરભેગા કરવાના પ્રયાસો થયા છે. અલગ અલગ પંચાયત ધરોના નાના ટેન્ડર પાડવાના બદલે ૪ થી ૫ પંચાયત ધરો ભેગા કરી રૂ.૧ કરોડથી વધુ રકમના પેકેજો બનાવ્યા છે. જેથી ઈ-૧, ઈ-૨ અને ડી-કલાસનુ રજીસ્ટ્રેશન ધરાવતા નાના કોન્ટ્રાકટરો ટેન્ડર ભરી ન શકે. મોટા કોન્ટ્રાકટરો ભારે મશીનરીથી કામ કરતા હોવાથી સ્થાનિક કડીયા અને મજુરો પાસેથી રોજીરોટી છીનવાઈ રહી છે. છોટાઉદેપુર તાલુકાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, કદવાલ અને છોટાઉદેપુર આશરે ૫૦ સરકાર માન્ય નાના કોન્ટ્રાકટરો નોંધાયેલા છે. નસવાડી, બોડેલી, સંખેડા અને પાવીજેતપુરમાં પંચાયત ધરો બનાવવા માટે રૂ.૩ કરોડથી વધુની રકમ મંજુર કરી છે. (૧ પંચાયત ધરનો અંદાજિત ખર્ચ રૂ.૨૫ લાખ)છે. વિવિધ ૨૫ લાખના કામ આપવાને બદલે તાલુકાવાર પેકેજ તૈયાર કરી રૂ ૧ કરોડથી વધુના ટેન્ડરો બહાર પાડ્યા છે. આવેદન આપ્યા બાદ નાના કોન્ટ્રાકટરો આ મામલે મુખ્યમંત્રી સુધી રજુઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.