ચાંપાનેરમાં 13.820 કિલો લીલો ગાંજો જપ્ત:અંદાજિત બજાર કિંમત રૂ. 6.91 લાખ ; SOG-પાવાગઢ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં એકને ઝડપ્યો.

પંચમહાલના હાલોલ તાલુકાના ચાંપાનેર (પાવાગઢ) ગામમાં પોલીસે ગાંજાની ગેરકાયદેસર ખેતી સામે કાર્યવાહી કરી છે. પોલીસે 13.820 કિલોગ્રામ વજનનો લીલો ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 6,91,000/- આંકવામાં આવી છે.

પંચમહાલ પોલીસની એસ.ઓ.જી. ટીમ અને પાવાગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુક્ત રીતે આ દરોડો પાડ્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંપાનેર ગામના કુંભાર ફળિયા વિસ્તારમાં એક મકાનના પાછળના વાડામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર તપાસ કરતા મકાન પાછળના વાડામાંથી લીલા ગાંજાના બે છોડ તેમજ ગાંજાના છોડના પાંદડા અને ડાળખા મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારીને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું પુષ્ટિ થઈ હતી. કુલ વજન 13.820 કિલોગ્રામ નોંધાયું હતું.

આ મામલે પોલીસે શંકરભાઈ પન્નાલાલ પરમાર (રહે. ચાંપાનેર, કુંભાર ફળિયા, તા. હાલોલ) ને ઝડપી પાડ્યા છે. તેમની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા સતત દેખરેખ અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.