પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મીડિયા સલાહકાર અશોક ટંડને તેમના પુસ્તક “અટલ મેમોઇર્સ” માં એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેઓ જણાવે છે કે ૨૦૦૨ માં, ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે અટલ બિહારી વાજપેયીનો પ્રસ્તાવ મૂક્યો હતો અને લાલકૃષ્ણ અડવાણીને વડા પ્રધાન પદની ઓફર કરી હતી. જોકે, તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઇનકાર કરી દીધો હતો, અને કહ્યું હતું કે બહુમતીના આધારે રાષ્ટ્રપતિ બનવાથી ખરાબ મિસાલ સ્થાપિત થશે.
કલામ ૨૦૦૨ માં તત્કાલીન શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) અને વિપક્ષ બંનેના સમર્થનથી ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ ૨૦૦૭ સુધી આ પદ પર રહ્યા હતા. અશોક ટંડન ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી વાજપેયીના મીડિયા સલાહકાર હતા. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે બીજી તરફ, વાજપેયીએ રાષ્ટ્રપતિ ભવનમાં જવા અને તેમના બીજા ક્રમના નેતા લાલકૃષ્ણ અડવાણીને વડા પ્રધાન પદ સોંપવાના તેમના પક્ષના સૂચનને સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું.
ટંડનના મતે, વાજપેયી આ માટે તૈયાર નહોતા. તેમનું માનવું હતું કે બહુમતીના આધારે કોઈપણ લોકપ્રિય વડા પ્રધાન રાષ્ટ્રપતિ બને તે ભારતીય સંસદીય લોકશાહી માટે સારો સંકેત નહીં હોય. આ ખૂબ જ ખરાબ મિસાલ સ્થાપિત કરશે, અને તેઓ આવા પગલાને ટેકો આપનારા છેલ્લા વ્યક્તિ હશે. ટંડન લખે છે કે વાજપેયીએ રાષ્ટ્રપતિની ચૂંટણી પર સર્વસંમતિ બનાવવા માટે મુખ્ય વિપક્ષી પક્ષ, કોંગ્રેસના નેતાઓને બોલાવ્યા હતા.
અશોક ટંડને લખ્યું, “મને યાદ છે કે સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને ડૉ. મનમોહન સિંહ તેમને મળવા આવ્યા હતા. વાજપેયીએ પહેલી વાર સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે દ્ગડ્ઢછએ ડૉ. એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેટ કરવાનો નિર્ણય લીધો છે… બેઠકમાં થોડીવાર મૌન રહ્યું. પછી સોનિયા ગાંધીએ મૌન તોડ્યું અને કહ્યું કે તેઓ તેમની પસંદગીથી આશ્ર્ચર્યચક્તિ થયા છે અને તેમની પાસે તેમને ટેકો આપવા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ તેઓ તેમના પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને પછી નિર્ણય લેશે.”
ટંડન વાજપેયીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાનની અનેક ઘટનાઓ તેમજ વાજપેયીના વિવિધ નેતાઓ સાથેના સંબંધોનું વર્ણન કરે છે. અટલ બિહારી વાજપેયી-અડવાણી જોડી વિશે, તેઓ લખે છે કે કેટલીક નીતિગત બાબતો પર મતભેદો હોવા છતાં, બંને નેતાઓ વચ્ચેના સંબંધો ક્યારેય જાહેરમાં બગડ્યા નહીં.
અશોક ટંડનના મતે, અડવાણી હંમેશા અટલ બિહારી વાજપેયીને પ્રેરણાોત કહેતા હતા, અને વાજપેયી તેમને તેમના અડગ સાથી કહેતા હતા. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેની ભાગીદારી ભારતીય રાજકારણમાં સહયોગ અને સંતુલનનું પ્રતીક રહી છે. તેમણે માત્ર ભાજપનું સર્જન જ કર્યું નહીં પરંતુ પક્ષ અને સરકાર બંનેને નવી દિશા પણ આપી.
પુસ્તકમાં, અશોક ટંડન લખે છે કે ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ ના રોજ સંસદ પર આતંકવાદી હુમલો થયો ત્યારે વાજપેયી અને સોનિયા ગાંધીએ ફોન પર વાત કરી હતી. તે સમયે સોનિયા ગાંધી લોક્સભામાં વિરોધ પક્ષના નેતા હતા. હુમલા સમયે, વાજપેયી ઘરે હતા અને તેમના સાથીદારો સાથે ટેલિવિઝન પર સુરક્ષા દળોના ઓપરેશનને જોઈ રહ્યા હતા.
ટંડન લખે છે, “અચાનક, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનો ફોન આવ્યો. તેમણે કહ્યું, ‘મને તમારી ચિંતા છે. શું તમે સુરક્ષિત છો?’” અટલ બિહારી વાજપેયીએ જવાબ આપ્યો, “સોનિયાજી, હું સુરક્ષિત છું. મને ચિંતા હતી કે તમે સંસદમાં હશો… કૃપા કરીને તમારી સંભાળ રાખો.”