વહેલી સવારે રાજ્યપાલએ જોરાપુરા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ.
યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની એવી અમૂલ્ય ભેટ છે, જે આપણને શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ તથા સશક્ત બનાવે છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી.
-વિદ્યાર્થીઓમાં યોગ માત્ર એક દિવસીય પ્રવૃત્તિ ન રહેતાં તેમના નિત્ય સ્વભાવ અને આદતનો ભાગ બને તેવું વાતાવરણ નિર્માણ કરવામાં આવે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી.
ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. વહેલી સવારે જોરાપુરામાં સરસ્વતી હાઇસ્કુલના પ્રાંગણમાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામવાસીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે સ્વસ્થ શરીર એ ઈશ્ર્વરની સૌથી મોટી ભેટ છે. બીમાર પડીને ઇલાજ કરાવવા કરતાં બીમારી આવે જ નહીં તે રીતે જીવન જીવવું એ જ ખરી સમજદારી છે. તેમણે શાળા પરિવારને અનુરોધ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં યોગ માત્ર એક દિવસીય પ્રવૃત્તિ ન રહેતાં તેમના નિત્ય સ્વભાવ અને આદતનો ભાગ બને તેવું વાતાવરણ નિર્માણ કરવામાં આવે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૨૧ જૂન ’વિશ્ર્વ યોગ દિવસ’ તરીકે સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય છે, ત્યારે યોગની આ અમૂલ્ય પ્રાચીન વિદ્યાનો લાભ પ્રત્યેક વિદ્યાર્થી મેળવે તે અનિવાર્ય છે.
આ પ્રસંગે યોગ અને પ્રાણાયામના શારીરિક તથા માનસિક લાભોથી સૌને અવગત કરાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મસ્તિષ્કનો વાસ હોય છે. યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની એવી અમૂલ્ય ભેટ છે, જે આપણને શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ તથા સશક્ત બનાવે છે. તેમણે વિદ્યાર્થીઓ અને નાગરિકોને યોગને પોતાની દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.
વિદ્યાર્થીઓને જીવન ઘડતરની અમૂલ્ય શિખ આપતાં રાજ્યપાલએ વડીલો પ્રત્યે આદરભાવ રાખવાથી આયુષ્ય, વિદ્યા, યશ અને બળમાં થતી વૃદ્ધિનો મહિમા સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મનુષ્ય પૂર્ણ નથી તેથી ભૂલો થઈ શકે છે; પરંતુ કરેલી ભૂલને ક્યારેય છુપાવવી જોઈએ નહીં. ભૂલ છુપાવવાથી વ્યક્તિ વધુ ગૂંચવણ અને ગુનાહિત માનસિકતા તરફ ધકેલાય છે. જીવનમાં કોઈપણ મુશ્કેલી કે ભૂલ થાય ત્યારે નિખાલસપણે પોતાના માતા-પિતા અને ગુજનો સમક્ષ રજૂ કરવાથી યોગ્ય સમાધાન મળે છે.