બાલાસિનોર શહેરમાં માવન હોટલ સામે રોડ પર ત્રણ ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત થતાં ઈજાગ્રસ્ત થયેલા આધેડનુ સારવાર દરમિયાન મોત નીપજયું છે. આશરે એકાદ મહિના પહેલા બનેલી આ ધટનામાં મોપેડ ચાલક સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
બાલાસિનોરના ઉંદરા ગામે રહેતા જયંતિ કાળાભાઈ વણકરે પોલીસમાં મોપેડ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ ગત તા.૨૯ એપ્રિલના રોજ જયંતિભાઈ તથા તેના ગામના મનુભાઈ ઉર્ફે મનોજભાઈ ડાહ્યાભાઈ વણકર અને વડદલાના રાજેશભાઈ કવોલિટી હોટમાં સાથે નોકરી કરતા હોઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે અમદાવાદી ઢાળ ચઢીને માવન હોટલ સામે પહોંચતા આગળ જઈ રહેલા મોપેડ ચાલકે સાઈડ લાઈટ કેહાથ બતાવ્યા વગર મોપેડને રોંગ સાઈડમાં વાળી પાછળ જઈ રહેલા તેમના એક્ટિવાને અડફેટે લીધ ુહતુ. આ સમયે અમદાવાદ રોડ તરફથી આવી રહેલ અન્ય એક બાઈક પણ સાથે અથડાયુ હતુ. આ અકસ્માતમાં મનુભાઈ ઉર્ફે મનોજભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ બાલાસિનોર અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ. આ બાબતે બાલાસિનોર પોલીસે મોપેડ ચાલક સામે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.