બાલાસિનોરમાં નવી જેલ અને દેવ ગામને પોલીસ સ્ટેશનના મકાનની માંગ

બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સ્થાનિક ધારાસભ્ય માનસિંહ ચોૈહાણ દ્વારા ના.મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆતો કરાઈ જેમાં બાલાસિનોર વિધાનસભા વિસ્તારના વિરપુર, બાલાસિનોર ટાઉન્ અને દેવ ગ્રામ્ય એમ ૩ પી.આઈ.કક્ષાના પોલીસ સ્ટેશનો કાર્યરત છે. બાલાસિનોરમાં જેલની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કેદીઓને આશરે ૮૦ કિ.મી.દુર આવેલા સંતરામપુર ખાતે લઈ જવા પડે છે. જેના લીધે પોલીસ તેમજ કેદીઓ સાથે સંકળાયેલા તમામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ બાલાસિનોર વિસ્તારની નજીકમાં નવી જેલ મંજુર કરવામાં આવે તથા તાલુકાનુ દેવ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હાલમાં ભાડાના મકાનમાં ચાલી રહ્યુ છે. આ પોલીસ સ્ટેશન માટે સરકારી જમીન ફાળવી કવાટર્સ સાથેનુ અદ્યતન નવીન મકાન બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ માટે લીમડી ગામના સરહદી વિસ્તારમાં રૈયોલો ડાયનાસોર પાર્કની નજીક ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ હોવાથી વહીવટી અને લોકઉપયોગી પ્રશ્ર્નોનો વહેલી તકે સકારાત્મક નિકાલ લાવવા માંગ કરી છે.