બાલાસિનોર એસટી બસ સ્ટેશન પરથી ઉપડતી અને આવતી બસોમાં છેલ્લા કેટલાક સમયથી વેચાણ કરતા ફેરિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો હોવાની ફરિયાદો મુસાફરોમાં ઉઠી રહી છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસોમાં અનેક ફેરિયાઓ ચડી જઈ નાસ્તા, રમકડાં, વિવિધ ચીજવસ્તુઓ અને અન્ય સામાનનું વેચાણ કરતા હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરોના જણાવ્યા મુજબ બસમાં પહેલેથી જ બેઠકો અને ઉભા રહેવાની જગ્યાનો અભાવ હોય છે, ત્યારે ફેરિયાઓ બસમાં ચડી ઊંચા અવાજે વેચાણ કરતા હોવાથી મુસાફરી અસહજ બની જાય છે. મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓને ખાસ કરીને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખત બસ ઉપડવાની તૈયારીમાં હોય ત્યારે પણ ફેરિયાઓ બસ માંથી બહાર ન નીકળતા મુસાફરોમાં અસંતોષ જોવા મળે છે.
બસ સ્ટેશન પર સુરક્ષા અને નિયંત્રણની જવાબદારી ધરાવતા તંત્ર દ્વારા આ બાબતે પૂરતી કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સલામતી અને સુવિધા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ બસોમાં બેફામ રીતે થતા વેચાણને કારણે નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે, એસટી તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા બસોમાં ગેરકાયદેસર રીતે ચડી વેચાણ કરતા ફેરિયાઓ સામે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મુસાફરોને નિરાંતે અને સલામત રીતે મુસાફરી કરી શકે તે માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.