
તમારે અચાનક રોકડાની જરૂર પડી અને તમે પહોંચી ગયા ATM પર, પણ ખિસ્સામાં હાથ નાખ્યો તો યાદ આવ્યું કે “યાર ATM કાર્ડ તો ઘરે જ રહી ગયું!” પહેલા આવું થતું તો તમે કાં તો મિત્રને બોલાવતા, કારણ કે એના સિવાય તો તમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પણ હવે નહીં…
જો તમારા ફોનમાં બેટરી અને ઇન્ટરનેટ છે, તો તમે ડેબિટ કાર્ડ વગર પણ ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધાનું નામ છે ‘ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ’ (ICCW), જે UPI દ્વારા કામ કરે છે અને મોટા ભાગની મુખ્ય બેંકોના ATM એને સપોર્ટ કરે છે.
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?
આ સિસ્ટમ આપણી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શરૂ કરેલી એક સુવિધા છે, જે તમને કોઈપણ બેંકના ATM પરથી (જે આ સુવિધાને સપોર્ટ કરતું હોય) તમારી UPI એપ (જેમ કે GPay, PhonePe, Paytm)નો ઉપયોગ કરીને પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. સાદી રીતે સમજીએ તો, તમારો ફોન જ તમારા કાર્ડ તરીકે કામ કરશે. ડેબિટ કાર્ડ ખિસ્સામાં લઈને ફરવાની કોઈ જરૂર નથી. તમારે ATM મશીન પર દેખાતા QR કોડને સ્કેન કરીને તમારા ફોનમાંથી UPI પિન નાખવાનો હોય છે અને ATM તમને કેશ આપી દે છે.