
ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ચાલતી એમડી ડ્રગ્સ બનાવવાની એક ગુપ્ત લેબોરેટરીનો ડીઆરઆઇ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે રહેણાંક વિસ્તારમાં દરોડા પાડીને પોલીસે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરતા આ એકમને સીલ કરી દીધું છે. આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ડ્રગ્સ તસ્કરીમાંથી કમાયેલી ૨૧ લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
ડીઆરઆઇ દ્વારા અંકલેશ્વરમાં એક રહેણાંક મકાનમાં પાડેલા દરોડા દરમિયાન મેફેડ્રોન બનાવવા માટે વપરાતા હાઇટેક લેબોરેટરી સાધનો મળી આવ્યા હતા, જેમાં ઇન્ડસ્ટ્રીયલ ઓવન ડ્રાયર, હોટ પ્લેટ હીટર્સ, કન્ડેન્સર એસેમ્બલી અને ઇલેક્ટ્રક સ્ટરર જેવા સાધનોનો સમાવેશ થાય છે. તલાશી દરમિયાન સ્થળ પરથી ૧.૩૪૯ કિલોગ્રામ તૈયાર મેફેડ્રોન, ૬.૮૨૫ કિલોગ્રામ ૨-બ્રોમો-૪-મેથિલપ્રોપિયોફેનોન (નિયંત્રિત પ્રિકર્સર કેમિકલ) અને ૧૨૦ લિટર મોનોમિથાઈલએમાઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ૬૦ કિલોગ્રામ હાઇડ્રોબ્રોમિક એસિડ, ૪૦ લિટર ટોલ્યુઈન અને મિશ્રિત એસિડના બે કન્ટેનર સહિત તમામ સામગ્રી એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ હેઠળ કબ્જે કરવામાં આવી છે.
દરોડા દરમિયાન મુખ્ય આરોપીઓના રહેણાંક સ્થળોએથી ૨૦ લાખની રોકડ મળી આવી હતી, જે ડ્રગ્સના વેચાણથી કમાયેલી હોવાની પ્રબળ શંકા છે. ત્યારબાદ ડીઆરઆઇ દ્વારા ચલાવવામાં આવેલા ત્વરિત ફોલો-અપ ઓપરેશનમાં આ પ્રતિબંધિત ડ્રગ્સના ખરીદદારને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની પાસેથી વધુ ૧ લાખ રોકડ જપ્ત કરાઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ ૧ લાખ મેફેડ્રોનની ડિલિવરી મેળવવા માટે ‘ટોકન પેમેન્ટ’ તરીકે લાવવામાં આવ્યા હતા. જા ડીઆરઆઇએ સમયસર દરોડા પાડ્યા ન હોત તો આ પ્રયોગશાળામાંથી ભારે માત્રામાં ડ્રગ્સ બનાવીને બજારમાં સપ્લાય કરવાનું મોટું કાવતરું હતું.
સિન્થેટિક ડ્રગ્સ તરીકે ઓળખાતું મેફેડ્રોન નશાની દુનિયામાં “મ્યાઉં મ્યાઉં”, એમડી.એમ સીએટી અથવા “ડ્રોન” જેવા નામોથી પણ જાણીતું છે. આ એક અત્યંત વ્યસનકારક સાયકોટ્રોપિક ડ્રગ છે, જે માનવ મગજ પર ગંભીર અસર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં તેના ગેરકાયદેસર ઉત્પાદન અને તસ્કરીના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.ડીઆરઆઇ હાલ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે જેથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક અને તેના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.