અમદાવાદમાં ગરમીનો કહેરઃ સોલા સિવિલમાં ઓપીડી કેસ ૧૧ હજાર પાર, ૧૧૦૦ દર્દી દાખલ

અમદાવાદ શહેરમાં વધતી ગરમીની સીધી અસર લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ઝાડા-ઉલટી, તાવ, ચક્કર અને માથાના દુખાવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય વિભાગ અને ડોક્ટરો દ્વારા લોકોને બહારનું ખાવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કુલિન વ્યાસના જણાવ્યા મુજબ ઓપીડીનો આંકડો ૧૧,૮૦૮ને પાર પહોંચી ગયો છે. વધતી બિમારીઓને કારણે અંદાજે ૧૧૦૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૧૨૫ શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી ૩ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે. સાથે જ મેલેરિયાના ૪૫૧ શંકાસ્પદ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે. છેલ્લા એક મહિનામાં ઝાડા અને ઉલટીના ૧૪૩ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. ડોક્ટરોનું માનવું છે કે ગરમીમાં બહારનું ખાવાનું અને અશુદ્ધ પાણી પીવાથી લોકો વધુ બીમાર પડી રહ્યા છે.

આરોગ્ય વિભાગે લોકોને વધુ પાણી પીવું, તાજું અને ઘરનું જમવાનું લેવું તેમજ ગરમીમાં લાંબા સમય સુધી બહાર ન રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.