અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે વિવાદઃ કોર્ટ બહાર વિહિપનો વિરોધ, લગ્ન નોંધણી મોકૂફ

અમદાવાદની ઘી કાંટા કોર્ટ ખાતે આંતરધર્મીય યુવક-યુવતીના લગ્ન નોંધણી મામલે ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. હાઈકોર્ટના આદેશ બાદ કપલ ખાસ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન નોંધણી માટે પહોંચવાનું હતું, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના વિરોધ વચ્ચે કાર્યવાહી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

કપલ કોર્ટમાં પહોંચે તેવી માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો. કોર્ટ બહાર વિહિપ કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જા કે સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રહ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોનું કહેવું છે કે તેઓ આ મામલે કાયદાકીય રીતે આગળ વધશે. સંગઠનના કાર્યકરોએ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂઆત કરીને લગ્ન નોંધણી અટકાવવાની માંગ કરી હતી. ત્યારબાદ નોંધણી પ્રક્રિયા હાલ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ કેસમાં યુવતી છેલ્લા બે મહિનાથી અમદાવાદના નારી સંરક્ષણ ગૃહમાં રહે છે. મહેસાણા જિલ્લામાં લિવ-ઇનમાં રહેતા આ કપલને અગાઉ અલગ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવકે હાઈકોર્ટનો દરવાજા ખટખટાવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે કપલને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી કરવાની મંજૂરી આપી હતી. સાથે જ યુવકને યુવતીની આર્થિક સુરક્ષા માટે તેના નામે ૩ લાખ રૂપિયા જમા કરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટનું માનવું હતું કે ભવિષ્યમાં કોઈ વિવાદ સર્જાય તો યુવતીની સુરક્ષા સુનિશ્ચિત રહેવી જાઈએ.આ પહેલા પણ અમદાવાદમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન નોંધણી મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. ત્યારે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે કપલને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું હતું.