
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણતરી થાય છે અને ભરૂચ લોકસભા સીટથી લોકસભા સાંસદ છે તે મનસુખ વસાવાએ હાલમાં જ રાજપીપળા ખાતે યોજાયેલા એક સંગઠન કાર્યક્રમ દરમિયાન જાહેર મંચથી એવો ગંભીર આક્ષેપ કર્યો કે રાજકીય વર્તુળોમાં ગૂસપૂસ ચાલુ થઈ ગઈ છે.
સાંસદ મનસુખ વસાવાએ એવો આરોપ લગાવ્યો કે ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને જીતવા માટે ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારોએ મદદ કરી હતી. તેમનો એવો પણ આરોપ છે કે માત્ર જીતાડવામાં મદદ કરી એટલું જ નહીં જ્યારે આપ ઉમેદવાર રથયાત્રા લઈને અંબાજી ગયા ત્યારે ભાજપના ઉમેદવારો તેમનું સન્માન કરવા માટે પણ પહોંચ્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ એવી પણ ચીમકી ઉચ્ચારી કે પક્ષમાં રહીને વિરોધ પક્ષોને જો કોઈ મદદ કરતું હશે તો તે સહન નહીં કરાય. જો કોઈને ખોટું લાગતું હોય તો તેઓ પાર્ટી છોડી શકે છે. ભાજપના કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે આપવાળા સાથે દોસ્તી રાખશો તો પણ ભવિષ્યમાં ક્યારેય સફળ થવાશે નહીં.
ભાજપના દિગ્ગજ નેતાએ આ સાથે જ પક્ષમાં આંતરિક શિસ્તના લીરેલીરા અને વહીવટી સ્તરે ખદબદતા ભ્રષ્ટાચારને પણ ઉઘાડા પાડ્યા. આ સાથે જ તેમણે અન્ય ગંભીર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે સત્તા પર બેઠેલા ભાજપના જ કેટલાક આગેવાનો તલાટીઓને હપ્તા આપે છે. આ હપ્તાખોરી અને કમિશનના કારણે જ ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકામાં ગુણવત્તા વગરના વિકાસ કામો થાય છે.
તેમણે એમ પણ કહ્યું કે નબળા કામોના કારણે જ વિરોધીઓને સરકાર સામે અવાજ ઉઠાવવાની અને રાજકીય મુદ્દો બનાવવાની સીધી તક મળે છે. આ સાથે તેમણે એવી ચેતવણી પણ આપી કે સરકારી કામ ભલે ભાજપના કાર્યકરો રાખે પરંતુ કામની ગુણવત્તા જાળવવી જરૂરી છે. આ સાથે જ પક્ષના જ મંચથી પક્ષની જ પોલ ખોલતા આકરા નિવેદનોના પગલે હવે રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.