
મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ, દાહોદ અંતર્ગત કાર્યરત શ્રી મોઢેશ્ર્વરી કેળવણી મંડળ, દાહોદ દ્વારા સમાજના બાળકોમાં સંસ્કાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોના સિંચન હેતુથી સંસ્કાર સિંચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 15/11/2025, શનિવારના રોજ સમાજની વાડી ખાતે યોજાયો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું મહત્વ સમજાવવું તેમજ ગીતાજયંતિના પાવન અવસરે ગીતાજીનું પૂજન કરવાની પરંપરા વિકસાવવી હતો. આ હેતુસર કાર્યક્રમમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું પૂજન તેમજ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન શિલ્પાબેન રાણાપુરવાલા, રશ્મિબેન કાબરાવાલા અને મોનિકાબેન મોઢિયા દ્વારા બાળકોને ગીતાજીના શ્લોકોના પઠન કરાવવામાં આવ્યા તથા શ્રદ્ધાપૂર્વક ગીતાજીનું પૂજન કરાવવામાં આવ્યું. બાળકોમાં ધાર્મિક ભાવના સાથે સંસ્કારની ઊંડી સમજ વિકસે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ બાળકોને જાગૃતિબેન રાજેશકુમાર શાહ તરફથી નાસ્તો તથા એગ્ઝામ બોર્ડ ભેટરૂપે આપવામાં આવ્યા.જેને કારણે બાળકોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ, કાર્યકરો તથા ઉપસ્થિત સૌનો શ્રી મોઢેશ્ર્વરી કેળવણી મંડળ, દાહોદ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.