કાલોલના ગિરધરપુરી નજીક હાઇવાનું ડાલું ખુલતાં રોડ પર મેટલનો ઢગલો, બે દિવસથી માર્ગ મકાન વિભાગની બેદરકારી

કાલોલ તાલુકાના ગિરધરપુરી નજીક માર્ગ ઉપર હાઇવા ટ્રકનું ડાલું ખુલી જતાં મેટલ રોડ ઉપર વેરાઈ જવાની ઘટના સામે આવી છે. રોડ ઉપર વેરાયેલા મેટલના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે, ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક જાગૃત નાગરિકોએ જાતે જ ઝાડની ડાળ કાપીને રસ્તા ઉપર ચેતવણી‚પે મૂકી વાહનચાલકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગિરધરપુરી નજીક હાઇવા ટ્રકનું ડાલું ખુલી જતાં મેટલ રોડ ઉપર ફેલાઈ ગયું હતું. છેલ્લા બે દિવસથી રોડ ઉપર મેટલ વેરાયેલું હોવા છતાં તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. માર્ગ ઉપર ફેલાયેલા મેટલના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે લપસી જવા અને અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

એક તરફ સ્થાનિક જાગૃત નાગરિકો અકસ્માત નિવારવા માટે પોતાની રીતે ચેતવણીના પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી તરફ માર્ગ મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. રોડ બનાવ્યા બાદ તેની જાળવણી, સફાઈ અને સલામતીની જવાબદારી કોની? અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ વાહનચાલક ઈજાગ્રસ્ત થાય કે જીવ ગુમાવે તો તેની જવાબદારી કોણ લેશે?

સ્થાનિકો માંથી માંગ ઊઠી છે કે, કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગ મકાન વિભાગ તાત્કાલિક હરકતમાં આવે અને રોડ ઉપર વેરાયેલું મેટલ દૂર કરી વાહનચાલકો માટે માર્ગ સુરક્ષિત બનાવે.રોડ ઉપર મેટલ વેરાયેલું છે, નાગરિકો ચેતવણી આપી રહ્યા છે, છતાં તંત્રની કામગીરી ક્યાં અટકી છે? હવે અકસ્માતની રાહ જોયા વગર જવાબદાર વિભાગ જાગશે કે પછી કોઈ દુર્ઘટના બાદ જ કાર્યવાહી થશે?