કાલોલ: પાસ પરમિટ વગર ઝાડનો લાકડાનો જથ્થો લઈ જતું ટ્રેક્ટર ઝડપાયું, મામલતદાર કચેરી ખાતે રખાવાયું

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતેથી પાસ પરમિટ વગર વિવિધ પ્રકારના ઝાડનો લાકડાનો જથ્થો ભરી ગોધરા તરફ લઈ જવાઈ રહેલા ટ્રેક્ટરને અટકાવી મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે.

 મળેલી વિગતો મુજબ, વેજલપુર (તા. કાલોલ, જિ. પંચમહાલ) ખાતે રહેતા ઇમરાન યુસુફ વ્હોરા (ઉં.વ. ૪૨, વ્યવસાય: ખેતી) દ્વારા વેજલપુર ગામેથી માધવ જશવંતસિંહ છત્રસિંહની માલિકીના જૂના સર્વે નં. ૨૦૨૨, નવા સર્વે નં. ૬૯૦ (ગામ: ભિલોડા, તા. ઘોઘંબા, જિ. પંચમહાલ) માંથી કોઠી, લીમડો, અંદરખ, ખારી, ઉમરો, સીવણ અને આંબો પ્રકારના ઝાડ વગર પરવાનગીએ ટ્રેક્ટર (નં. GJ-17-BA-2409) માં ભરી ગોધરા તરફ લઈ જવામાં આવી રહ્યા હતા.

 દરમિયાન વેજલપુર ખાતે ટ્રેક્ટરને અટકાવી પાસ પરમિટની માંગણી કરવામાં આવતા તેમની પાસે પાસ પરમિટ રજૂ થઈ શકી ન હતી. આ અંગે આપવામાં આવેલા લેખિત જવાબમાં જણાવ્યા મુજબ, વાહન મામલતદાર કચેરી, કાલોલ ખાતે લઈ જવાનું જણાવતા ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ મામલતદાર કચેરી, કાલોલ ખાતે મૂકવામાં આવ્યો છે.

 આ મામલે સંબંધિત વ્યક્તિએ વાહનની માવજતની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે તેમજ વાહન મુક્ત કરવા માટે જે કોઈ સરકારી દંડ ભરવાનો થશે તે ભરવા સંમતિ દર્શાવી હોવાનું કાલોલ ખાતે નોંધાયેલા જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.