ગરબાડાના રામનાથ તળાવનો થશે કાયાકલ્પ, મુખ્યમંત્રીએ બ્યુટીફિકેશન માટે આપી સૂચના

તળાવને ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જીલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે આજે ગરબાડા ખાતે આવેલા ઐતિહાસિક રામનાથ તળાવની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ ગરબાડાના આ ઐતિહાસિક તળાવ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તળાવની હાલની સ્થિતિ અને આસપાસની સુવિધાઓ અંગે તેમણે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ રામનાથ તળાવના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ માટે સંબંધિત અધિકારીઓને જ‚રી સૂચનાઓ આપી હતી. તળાવ આસપાસના વિસ્તારનું સુવ્યવસ્થિત આયોજન થાય અને પર્યાવરણની જાળવણી સાથે નાગરિકો માટે તે એક સુવિધાજનક અને આકર્ષક સ્થળ બને તે દિશામાં આયોજન કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

રામનાથ તળાવ ગરબાડા સહિત સમગ્ર વિસ્તાર માટે ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થળ છે. ત્યારે આ તળાવને ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળ તરીકે વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવા માટે જ‚રી વિકાસલક્ષી કામગીરીનું આયોજન કરવા પણ મુખ્યમંત્રીએ જ‚રી સૂચના આપી હતી.

મુખ્યમંત્રીની આ મુલાકાતથી ગરબાડા પંથકના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રામનાથ તળાવના વિકાસથી સ્થાનિક લોકોને ફરવા-હરવા માટે એક સુંદર સ્થળ મળશે, સાથે સાથે પ્રવાસનને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે જીલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.