અણીયાદ પગારકેન્દ્રનો વિજ્ઞાન મેળો કવાલી પ્રાથમિક શાળામાં યોજાયો

12 શાળાના 40 વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી, 320 વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું

શહેરા તાલુકાના અણીયાદ પગારકેન્દ્રનો વિજ્ઞાન મેળો કવાલી પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. આ વિજ્ઞાન મેળામાં પગારકેન્દ્રની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા, સર્જનાત્મકતા અને નવીન વિચારોને વિવિધ કૃતિઓના માધ્યમથી રજૂ કર્યા હતા. વિજ્ઞાન મેળામાં કુલ 12 શાળાના 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે 320 વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળીને વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓની જાણકારી મેળવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય કનુભાઈ પરમાર, શહેરા તાલુકા ભાજપ મહામંત્રી રમણસિંહ રાઠોડ, કવાલીના તાલુકા પંચાયત સભ્ય દિલીપસિંહ, સરપંચ બકાભાઈ, ઉપસરપંચ ગણપતસિંહ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના અધ્યક્ષ, અણીયાદ પગારકેન્દ્રના આચાર્યો તેમજ માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભવાનસિંહ ચૌહાણ તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા, પેડ, પેન અને શિક્ષાપત્રી જેવી શૈક્ષણિક સામગ્રી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, સર્જનાત્મકતાને વેગ મળે અને અભ્યાસ પ્રત્યે વધુ રુચિ જાગે તેવા હેતુથી આ પહેલ કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સંચાલન CRC-CO મનોહરસિંહ બિયોલા દ્વારા કરવામાં આવ્યું હતું. કવાલી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ વિજ્ઞાન મેળો વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, પ્રયોગો અને નવીન વિચારોની આપ-લેનું માધ્યમ બન્યો હતો. કાર્યક્રમના અંતે આયોજનને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ મહાનુભાવો, શિક્ષકો અને કવાલી પ્રાથમિક શાળા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.