ગરબાડા તાલુકા કોંગ્રેસ દ્વારા પક્ષપાતી કામગીરીના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવાયો

ગરબાડા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરીને પક્ષપાતી ગણાવી મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ જાતના વેરિફિકેશન વિના ૬૫,૦૦૦થી વધુ જીવંત નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની બેદરકારી અને પક્ષપાતી નીતિના કારણે આદિવાસી અને શ્રમિક નાગરિકોના લોકશાહી અધિકાર પર સીધી તરાપ મારવામાં આવી રહી છે, જે કોઈ પણ ભોગે ચલાવી લેવાય નહીં. આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ રાઠોડ તથા આગેવાન કિરીટભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા, જેમણે ચૂંટણી પંચ સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આંગણે યોજાયેલા કાર્યક્રમ બાદ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા અને કોંગ્રેસ કાર્યકર્તા કિરીટ પટેલે માધ્યમો સમક્ષ પોતાની બાઈટ આપતા ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને તમામ કમી કરાયેલા નામો તાત્કાલિક ધોરણે પુન: ઉમેરવાની માંગ કરી હતી.