ઝાલોદ તાલુકાના ફુલપુરા તળ ગામે ‘હર ધર જળ-નલ સે જલ’ યોજના હેઠળ કડાણા ડેમ આધારિત પાણી પુરવઠો તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે ગ્રામજનો અને પંચાયત દ્વારા ટીડીઓને લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે. આ અંગે ગત તા.૨ ઓકટો.ના રોજ મળેલી ખાસ ગ્રામસભામાં સર્વાનુમતે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં ધરે ધરે શુદ્ધ પીવાનુ પાણી મળી રહે તે હેતુથી સરકારી નલ સે જલ યોજના અમલમાં મુકી છે. પરંતુ ફુલપુરા તળ ગામે આ યોજનાની કામગીરી પુર્ણ થયાના લાંબા સમય બાદ પણ ધરોમાં નાંખલા નળ કનેકશનોમાં પાણી છોડવામાં આવ્યુ નથી. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સરપંચ હવસિંગભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી હતી કે, ચાલુ વર્ષે પુરતો વરસાદ ન થવાને કારણે ગામના ભુગર્ભ જળસ્તરો નોંધપાત્ર રીતે ઉંડા ઉતરી ગયા છે. પરિણામે ગામના કુવાઓ અને બોરવેલ સુકાવવા લાગ્યા છે. આગામી દિવસોમાં ઉનાળાનુ ઋતુમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાવવાની પુરેપુરી સંભાવના છે. જેનાથી ગ્રામજનો અને પશુધનને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ કડાણા ડેમની પાઈપલાઈનનુ પાણી વહેલી તકે ફુલપુરા તળ ગામે ચાલુ કરવા માટે તંત્ર સમક્ષ જોરશોરથી રજુઆત કરાઈ છે. ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો નાછુટકે ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.