ગોધરા પાલિકાએ ૭૦૦ દુકાનોના ભાડા વધારાના મામલે હાઈકોર્ટે કેસ ચાલુ રહે ત્યાં સુધી ૨૫ ટકા રકમ અને વાર્ષિક ૧૦ ટકા વધારા સાથે ભાડું જમાં કરાવવા નિર્દેશ આપ્યો છે. વાર્ષિક વધારો રદ્દ કરવા અને અગાઉ વસુલેલી રકમ સરભર કરવા વેપારીઓએ પાલિકામાં પહોંચ્યા પણ અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ભારે વિરોધ નોંધાવ્યો હતોે.
ગોધરા પાલિકાની ૭૦૦ જેટલી દુકાનના ભાડુઆતો પાસે વર્ષ-૨૦૨૩/૨૪ માં પાલિકા દ્વારા ૧૦૦૦ ટકાનો ભાડામાં વધારો કરીને કેટલાક ભાડુઆતો પાસેથી ભાડાની રકમ ઉઘરાવી હતી. પાલિકાના ભાડુઆતો દ્વારા ભાડાને લઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. મામલો કોર્ટમાં જતા બંને પક્ષની દલીલો સાંભળીને હાલ કેસ ચાલી રહ્યો હોવાથી પાલિકાની આર્થિક સંકડામણને લઈને કોર્ટે પાલિકાના દુકાનના ભાડુઆતોને ૨૫ ટકા ઉપરાંત નગરપાલિકાના દર વર્ષે ૧૦ ટકા વધારા સાથે જયાં સુધી કેસ ચાલે ત્યાં સુધી ભાડું જમા કરાવવા નિર્દેશ આપ્યો છે. પાલિકાની દુકાનના ભાડુઆતોને બે દિવસના ૨૫ ટકા ભાડાની રકમ ભરવાનો આદેશ થતાં વેપારીઓનુ કહેવુ છે કે, દર વર્ષે ૧૦ ટકાનો વધારો ગણવામાં આવે તો ૩ વર્ષમાં જ ભાડું ૪૦ ટકાથી વધુ વધી જાય છે. જે સમગ્ર ગુજરાત કે દેશમાં કયાંય જોવા મળતુ નથી. તેથી આ અન્યાયી વાર્ષિક વધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. પાલિકાના દુકાનોના ભાડુઆતો પાલિકા ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કરી અગાઉ પાલિકા દ્વારા ભાડુઆતો પાસેથી તગડું ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતુ. હાઈકોર્ટના આદેશ મુજબની ૨૫ ટકા રકમ અગાઉ વસુલ કરેલ ભાડાની ગણતરીમાં સરભર કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ કરી હતી. વેપારીઓ રજુઆત કરવા આવ્યા ત્યાં પાલિકામાં ચીફ ઓફિસર, પ્રમુખ કે કારોબારી ચેરમેન ગાયબ હોવાથી વેપારીઓ રોષે ભરાયા હતા. તેમજ બસ સ્ટેન્ડ ખસેડાયા બાદ ધંધા-રોજગાર ભાંગી પડ્યા હોવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. આવી વિકટ પરિસ્થિતિમાં નગરપાલિકા તરફથી કોઈ જવાબદાર અધિકારી સ્પષ્ટ જવાબ કે બિલ પણ આપતા નથી. જેથી વેપારીઓ સુડી વચ્ચે સોપારી જેવી દશામાં મુકાઈ ગયા છે. હાઈકોર્ટ દ્વારા અપાયેલી મુદ્દત પુર્ણ થાય તે પહેલા નગરપાલિકા યોગ્ય અને ન્યાયપુર્ણ નિર્ણય લે તેવી વેપારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.