
વહીવટી તંત્ર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શહીદ પરિવારો અને વીર જવાનોનું ભાવભીનું સન્માન કરાયું.
મહીસાગર જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત દેશના વીર જવાનો અને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુ સાથે સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ તેમજ માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શઆત દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર વીર શહીદોની સ્મૃતિમાં ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દેશની સરહદોની સુરક્ષા, શાંતિ અને અખંડિતતા જાળવવા માટે શહીદ થયેલા વીર જવાનોના પરિવારો તેમજ કારગિલ યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા વીર જવાન વજેસિંહ અમરાભાઈ પગીનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ વીર જવાન સ્વ. માલભાઈ રાવજીભાઈ રજાતના પરિવારજન કૈલાસબેન (ડોળી-સંતરામપુર), સ્વ.જયંતીભાઈ હકરાભાઈ પારગીના પરિવારજન અંજલીબેન (ખેડાપા-સંતરામપુર), સ્વ. નટવરભાઈ રામાભાઈ પ્રજાપતિના પરિવારજન રમીલાબેન (બકોર-ખાનપુર), સ્વ. લક્ષ્મણભાઈ હીરાભાઈ બારીયાના પરિવારજન મંગુબેન (કેલામૂળ-કડાણા) તથા સ્વ. રાજુભાઈ કેસરસિંહ બારીયાના પરિવારજન વિમળાબેન (માખલીયા-લુણાવાડા)નું તંત્ર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બહુમાન કરાયું હતું.

આ ગૌરવશાળી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેક્ટર શ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી સફીન હસન, નિવાસી અધિક કલેક્ટર (RAC) શ્રી સી. વી. લટા, પ્રાંત અધિકારી શ્રી ઉમેશ શાહ (લુણાવાડા), ડીવાયએસપી (DySP) શ્રી ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી શર્મિષ્ઠા વસૈયાતથા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી હર્ષા ઠાકોરસહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દેશની રક્ષા માટે સશસ્ત્ર દળોના જવાનોનો ત્યાગ, શોર્ય અને સમર્પણ અતુલનીય છે અને તેમના આ સર્વોચ્ચ બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે.
આ પ્રસંગે મહીસાગર જીલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શનાભાઈ શંકરભાઈ ડામોર, ઉપપ્રમુખ પરથીંગભાઈ તાવીયાડ, મહામંત્રી મંગળાભાઈ ડામોર, જીલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાઓના પ્રમુખઓ અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીતના સામૂહિક ગાન સાથે ગૌરવપૂર્ણ માહોલમાં થયું હતું.