દે. બારીઆ રમતગમત સંકુલમાં સુરક્ષાના નામે છીંડા! વોલ ઉપરની સુરક્ષા જાળીઓ લાંબા સમયથી તૂટેલી, ૩૦૦થી વધુ રમતવીરોની સુરક્ષા સામે ગંભીર સવાલો.

દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ સ્વ.જયદીપસિંહજી રમતગમત સંકુલમાં સુરક્ષાના નામે છીંડા પડી ગયા હોય તેવી સ્થિતિ સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંકુલમાં ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ આવેલી છે અને તેમાં ૩૦૦થી વધુ રમતવીરો રહી વિવિધ રમતોની તાલીમ લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. આવી સ્થિતિમાં સંકુલની સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે તે અંગે હવે ચર્ચા શ‚ થઈ છે. સંકુલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી કોઈ અજાણ્યા કે, અસામાજીક તત્વો અંદર પ્રવેશી ન શકે. પરંતુ બીજી તરફ સંકુલની ચારે તરફ આવેલી વોલ ઉપર સુરક્ષાના હેતુથી લગાવવામાં આવેલી જાળીઓ છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. તૂટેલી જાળીઓના કારણે બહારથી કોઈ વ્યક્તિ સરળતાથી સંકુલની અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. એક તરફ ગેટ પર સુરક્ષા અને બીજી તરફ તૂટેલી જાળીઓ તો પછી આ સુરક્ષા વ્યવસ્થાનો હેતુ શું? એવો સીધો સવાલ હવે ઉઠી રહ્યોછે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, અગાઉ સંકુલમાં તસ્કરીની ઘટના બની ત્યારે તૂટેલી જાળીઓવાળા માર્ગનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી હતી. સદનસીબે તે સમયે કોઈ મોટી નુકસાની થઈ નહોતી. તેમ છતાં અગાઉના બનાવોમાંથી બોધપાઠ લેવાને બદલે જો આજે પણ સુરક્ષાની જાળીઓ તૂટેલી જ રાખવામાં આવી હોય તો જવાબદારી કોની? તે પણ તપાસનો વિષય છે. સૌથી ગંભીર બાબત એ છેકે અહીં ૩૦૦થી વધુ રમતવીરો, જેમાં યુવતીઓ અને યુવાનોનો સમાવેશ થાય છે, તેવો રહેતા હોવાની માહિતી છે. આવી સંવેદનશીલ જગ્યાએ સુરક્ષાની વ્યવસ્થામાં કોઈ ખામી રહે અને તેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? તંત્ર કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે પછી સમયસર સુરક્ષાની ખામીઓ દૂર કરશે?

સરકાર દ્વારા રમતવીરોના તાલીમ, સુવિધા, જાળવણી અને વિકાસ માટે લાખો ‚પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સંકુલની મૂળભૂત સુરક્ષા વ્યવસ્થામાં જ આવી બેદરકારી કેમ જોવા મળી રહી છે? ગ્રાન્ટની રકમ ક્યાં અને કેવી રીતે વપરાય છે? જાળીઓના સમારકામ માટે અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં? જાળીઓ તૂટેલી હોવાની જાણ જવાબદાર અધિકારીઓને છે કે નહીં? જેવા અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. જો આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને સંકુલને મળેલી ગ્રાન્ટ, તેના ખર્ચ, જાળવણીની કામગીરી તથા સુરક્ષા વ્યવસ્થા ની હકીકતની તપાસ કરવામાં આવે તો અનેક બાબતો બહાર આવી શકે તેવી ચર્ચા છે.

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોશે કે પછી ૩૦૦થી વધુ રમતવીરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૂટેલી સુરક્ષા જાળીઓનું તાત્કાલિક સમારકામ કરાવશે? તેમજ જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવામાં આવશે કે કેમ તે પણ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું !