રાણપુર અને બરવાળા એપીએમસીમાં ચેરમેન-ડે. ચેરમેનની બિનહરીફ વરણી, નવા હોદ્દેદારોની જાહેરાત

બોટાદ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી રાણપુર અને બરવાળા એપીએમસી માટે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બંને માર્કેટ યાર્ડમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના હોદ્દા માટે બિનહરીફ વરણી થતાં સ્થાનિક સહકારી ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો. તાજેતરમાં રાણપુર અને બરવાળા એપીએમસીની ચૂંટણી યોજાયા બાદ હવે બંને માર્કેટ યાર્ડના સંચાલન માટે મહત્વના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે.

બરવાળા એપીએમસીમાં સુરેશભાઈ ગઢીયાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે દિલાવરસિંહ ઝાલાને ડેપ્યુટી ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. બંને હોદ્દા માટે બિનહરીફ વરણી થતાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ચૂંટણી અધિકારી દ્વારા વરણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

બીજી તરફ, રાણપુર એપીએમસીમાં કિશોરભાઈ ધાધલને ચેરમેન તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે લખમણભાઈ મેટાલીયાની ડેપ્યુટી ચેરમેન તરીકે વરણી થઈ છે. આ સાથે રાણપુર છઁસ્ઝ્રના નવા હોદ્દેદારોની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણીની જાહેરાત થતાં જ બંને માર્કેટ યાર્ડ પરિસરમાં સ્થાનિક આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ અને શુભેચ્છકો એકત્ર થયા હતા. નવનિયુક્ત હોદ્દેદારોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

નવી જવાબદારી સંભાળનારા હોદ્દેદારોએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની અને માર્કેટ યાર્ડના વિકાસ માટે કામગીરી કરવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે. એપીએમસી ખેડૂતો માટે કૃષિ પેદાશોના વેચાણ અને બજાર વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે રાણપુર અને બરવાળા એપીએમસીમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી બાદ આગામી સમયમાં માર્કેટ યાર્ડના વિકાસ અને ખેડૂતોને મળતી સુવિધાઓમાં કેવા પગલાં લેવામાં આવે છે તેના પર નજર રહેશે.