યુવતીના વિવાદમાં મુખ્ય આરોપીને આજીવન કેદ, કોર્ટે ૧૧ આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા.
ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે યુવતીને લઈને થયેલા વિવાદમાં ગારી પરિવારના ઘરમાં ઘુસી મારક હથિયારો વડે હિંસક હુમલો કરી એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં દાહોદની ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટે ચાર મહિલાઓ સહિત કુલ ૧૧ આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે મુખ્ય આરોપી કાનાભાઈ નારસિંગભાઈ ગારીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તથા પિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા થશે. ચુકાદા મુજબ ૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ મુનખોસલા ગામના ગારી ફળિયામાં યુવતીને લઈને અદાવતના પગલે આરોપીઓ હથિયાર સાથે ગોવિંદભાઈ પાભાઈ ગારીના ઘરે પહોંચી ગોવિંદભાઈ ઉપર ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, તેમજ અન્ય પરિવારજનોને પણ મારક હથિયારો વડે માર માર્યો હતો. ગોવિંદભાઈ ને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા, જ્યાં તેઓનું ૯ સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચુકાદામાં સરકારી વકીલ ડી.એસ.પરમારે આરોપીઓ સામેના પુરાવા અને સાહેદોની જુબાનીના આધારે દલીલો કરી હતી. કોર્ટે ફરિયાદ પક્ષના પુરાવા અને ધાર દાર દલીલોને ગ્રાહ્ય રાખી ત્રીજા એડિશનલ સેશન જજ એસજી ડોડિયાએ આરોપીઓને વિવિધ ગુનાઓમાં તકસીર વાર ઠેરવી કાનાભાઈ નારસિંગભાઈ ગારી ને આજીવન કેદ, જયેશ ભાઈ શંકરભાઈ ગારીને ૧૦ વર્ષ ની સખત કેદ, રજનીભાઈ મનસુખભાઈ ગારીને ૧૦ વર્ષની સખત કેદ, કાંતિભાઈ રામાભાઈ ગારીને ૧૦ વર્ષની સખત કેદ જ્યારે વિપુલભાઈ કાનાભાઈ ગારી, ગિરીશભાઈ બાબુભાઈ ગારી, બળવંતભાઈ કાનાભાઈ ગારી, કંચનબેન કાંતિભાઈ ગારી, સવિતાબેન મનસુખભાઈ ગારી, નાનીબેન શંકરભાઈ ગારી અને ચંદાબેન કાનાભાઈ ગારીને ૩ વર્ષની સખત કેદની સજાનો હુકમ ખુલ્લી કોર્ટમાં ફરમાવતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.