
ડીવાય.એસ.પી. ડી.આર. પટેલ સહિત પોલીસ અધિકારીઓની પંડાલે-પંડાલે મુલાકાત : પોલીસ તમારી મિત્રનો સંદેશ લોકો સુધી પહોંચ્યો, નગરજનોએ પણ કાયદો-વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી
ઝાલોદમાં ગણેશોત્સવ માત્ર ભક્તિ અને ઉત્સવ પૂરતો સીમિત ન રહે, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતાનો સંદેશ પણ પ્રસરાવે તેવા હેતુથી ઝાલોદ ડિવિઝન પોલીસ દ્વારા સરાહનીય જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલ, ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જે. ગામીત, પી.એસ.આઈ. એસ.કે. સીસોદીયા તથા પી.એસ.આઈ. રાધાબેન ડામોર સહિત પોલીસ અધિકારીઓ દ્વારા નગરના વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લેવામાં આવી હતી.
પંડાલે-પંડાલે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ગણેશજીના દર્શન કરી પૂજા-આરતીમાં સહભાગી બની ધાર્મિક આસ્થાને માન આપ્યો હતો. સાથે જ ગણેશોત્સવના આયોજકો, યુવક મંડળો અને નગરજનો સાથે આત્મીય જનસંવાદ કરી તહેવારને શાંતિપૂર્ણ અને ભાઈચારાભર્યા વાતાવરણમાં ઉજવવા અંગે ચર્ચા કરી હતી.
પોલીસ અધિકારીઓની આ મુલાકાતે પોલીસ તમારી મિત્રના અભિગમને જીવંત બનાવ્યો હતો. સામાન્ય રીતે પોલીસને માત્ર કાયદો અને વ્યવસ્થા સાથે જોડીને જોવામાં આવે છે, ત્યારે ગણેશ પંડાલોમાં પોલીસ અધિકારીઓની આ આત્મીય હાજરીએ ખાખીનો માનવીય અને જનમૈત્રી ચહેરો પણ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
જનહિતાય, સેવા, સુરક્ષા અને જનસંકલનને કેન્દ્રમાં રાખી પોલીસ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસથી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્ર્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો હતો. પોલીસ અધિકારીઓએ નગરજનો સાથે સીધો સંવાદ સાધી તેમની વાતો સાંભળી હતી, જેના કારણે લોકોમાં પણ પોલીસ પ્રત્યે સકારાત્મક વિશ્ર્વાસનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ અધિકારીઓની આ પહેલની નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. નગરજનોએ પણ પોલીસને મિત્ર સ્વપે સ્વીકારી ગણેશોત્સવ સહિતના જાહેર પ્રસંગોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ધાર્મિક આસ્થા, સામાજીક સમરસતા અને પોલીસ-પ્રજા વચ્ચેના વિશ્ર્વાસને એકસાથે જોડતી આ પહેલથી ગણેશોત્સવમાં ભક્તિ સાથે એકતા અને ઉત્સવ સાથે જવાબદારીનો સંદેશ પ્રસર્યો હતો.
ઝાલોદ પોલીસની આ કામગીરીને નગરમાં ખાખી અને સમાજ વચ્ચેના અંતરને ઘટાડતી જનમૈત્રી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. ગણેશ પંડાલોમાં પોલીસ અધિકારીઓની આ હાજરીએ એક વાત સ્પષ્ટ કરી છે કે સેવા અને સુરક્ષા સાથે જનસંકલન પણ કાયદો-વ્યવસ્થાની મહત્વપૂર્ણ કડી છે.