કડાણા ડેમમાં ઉપરવાસમાં વરસાદથી પાણીથી આવક વધી ડેમ ૭૧ ટકા ભરાયો, ૮ જીલ્લાને ફાયદો થશે

મહીસાગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે. મહીસાગર જીલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો થયો છે.

છેલ્લા ૪૮ કલાકમાં કડાણા ડેમની જળસપાટી આશરે ૪ ફૂટ વધી છે. જેના કારણે હાલમાં ડેમ ૭૧.૨૪ ટકા ભરાઈ ગયો છે.

હાલ કડાણા ડેમની જળસપાટી ૪૦૬ ફૂટ ૮ ઇંચ નોંધાઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી ૪૧૯ ફૂટ છે. ડેમમાં અત્યારે ૫,૩૪૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ડેમમાં ૭૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં ડેમ ઓથોરિટી દ્વારા વોર્નિંગ લેવલ જાહેર કરાયું છે. પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે.

કડાણા ડેમમાં વધેલો પાણીનો સંગ્રહ માત્ર મહીસાગર જીલ્લા માટે જ નહીં, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો માટે મહત્વનો છે. સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ સહિતની વ્યવસ્થા દ્વારા મહીસાગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સિંચાઈ અને પાણી પુરવઠા માટે તેનો ઉપયોગ થાય છે.

આ ઉપરાંત, કડાણા પાવર હાઉસ અને વણાકબોરી વિયર દ્વારા ખેડા, નડિયાદ અને આણંદ પંથકમાં પણ પાણી પહોંચાડવામાં આવે છે. આ કારણે જળસંગ્રહનું મહત્વ વધી જાય છે.

કડાણા ડેમમાં ૭૧ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં આગામી રવિ સિઝન માટે સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા હળવી થશે.

ઉપરવાસમાંથી ૫,૩૪૭ ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી ડેમ તંત્ર સતર્ક છે અને જળસપાટી તથા પાણીની આવક પર સતત નજર રાખી રહ્યું છે.