
મહીસાગર જીલ્લાના લુણાવાડા અને બાલાસિનોર પંથકમાં ડાંગરના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ કારણે ખેતીવાડી વિભાગ સક્રિય બન્યું છે. લુણાવાડા તાલુકાના ચપટીયા, વક્તાપુર અને વરધરી વિભાગના કેટલાક ગામોમાં ખેડૂતોએ ડાંગરના પાકમાં ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થતા પાક સુકાઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી.
ખેડૂતોની રજૂઆત બાદ જીલ્લા ખેતીવાડી અધિકારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ ખેડૂતોના ખેતરોમાં જઈ ડાંગરના પાકની સ્થિતિ તપાસી હતી.
મુલાકાત દરમિયાન, તેમણે ખેડૂતો પાસેથી પાકમાં જીવાતના ઉપદ્રવ વિશે માહિતી મેળવી. આ ઉપરાંત, પાકમાં આ સમસ્યા વધુ ન ફેલાય તે માટે કઈ સાવચેતી રાખવી, પાકનું નિયમિત નિરીક્ષણ કેવી રીતે કરવું અને જરી ખેતી પદ્ધતિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું હતું.
ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની આ મુલાકાતથી અસરગ્રસ્ત ખેડૂતોને પાકની સમસ્યા અંગે યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે, જો પાકમાં કોઈ અસામાન્ય સ્થિતિ જોવા મળે તો તાત્કાલિક ખેતીવાડી વિભાગનો સંપર્ક કરે.