ઝાલોદના રણિયાર ગામ આરસીસી રોડની માંગ : મુખ્યમંત્રીએ રજુઆત બાદ પણ અધ્ધરતાલ ગ્રામજનો પરેશાન

ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે ગોડીમવડી મુખ્ય રસ્તાથી નવી વસાહત થઈને બળિયાદેવ મંદિર સુધીના રસ્તાનું આર.સી.સી. કામ કરાવવા માટે સ્થાનિક અરજદાર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રજૂઆત બાદ મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિત વિભાગને કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યો હોવા છતાં રસ્તાનું કામ હજુ આગળ વધી શક્યું નથી. પરિણામે અંતરિયાળ વિસ્તારના સ્થાનિકો આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે.

રણિયાર સરકારી ગામના અરજદાર વિજય કોળીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગામના ગોડીમવડી મુખ્ય રસ્તાથી નવી વસાહતને જોડતો રસ્તો લાંબા સમયથી બિસમાર હાલતમાં છે. આ રસ્તો બળિયાદેવ મંદિર તરફ પણ જાય છે. અંદાજે ૩૦૦થી ૪૦૦ લોકોની વસતી ધરાવતા વિસ્તાર માટે આ મુખ્ય અવરજવરનો રસ્તો છે. તેમ છતાં રસ્તાનું યોગ્ય બાંધકામ કરવામાં આવ્યું નથી.

રજૂઆત મુજબ, હાલ રસ્તા પર ઠેરઠેર ખાડા, કાંટા-કાંકરા તેમજ ઊબડખાબડ સ્થિતિને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. ધંધા-રોજગાર માટે બહાર જતા લોકો તેમજ રોજિંદા જીવનજ‚રિયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે અવરજવર કરતા ગ્રામજનોને પણ હાલાકી ભોગવવી પડે છે.

અરજદારે રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો દ્વારા અગાઉ પણ રસ્તાના કામ માટે રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. રાજકીય કિન્નાખોરીના કારણે અંતરિયાળ વિસ્તારના લોકો પાયાની જ‚રિયાતથી વંચિત હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

આ સમસ્યાને લઈને અરજદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગોડીમવડી મુખ્ય રસ્તાથી નવી વસાહત થઈને બળિયાદેવ મંદિર સુધી અંદાજિત ૧.૫ કિમીના રસ્તાનું આર.સી.સી. કામ મંજૂર કરી ઝડપથી શ‚ કરાવવા માગ કરી હતી. પત્રની નકલ માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ઝાલોદને પણ મોકલવામાં આવી હતી.

મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆત બાદ સંબંધિત વિભાગને કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યો હોવાનું દસ્તાવેજોમાં દર્શાય છે. આ અંગે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ઝાલોદની કચેરીનો સ્ટેમ્પ પણ રજૂ કરાયેલા પત્ર પર જોવા મળે છે. જોકે, આદેશ બાદ પણ રસ્તાના કામની વાસ્તવિક પ્રગતિ અંગે સ્થાનિકોને હજુ સ્પષ્ટતા મળી નથી.

સ્થાનિકોનું કહેવું છે કે, માત્ર રજૂઆત અને આદેશથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. રસ્તાનું સ્થળ નિરીક્ષણ કરી અંદાજ તૈયાર કરવો, વહીવટી અને નાણાકીય મંજૂરી મેળવવી તથા કામ શ‚ કરવું જ‚રી છે. ત્યારે મુખ્યમંત્રી કક્ષાએથી થયેલી રજૂઆત બાદ હવે સંબંધિત વિભાગ દ્વારા આ રસ્તાના કામ અંગે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને સ્થાનિકોને ક્યારે સુવિધા મળે છે, તે જોવું રહ્યું.