
મેઘરાજાને રીઝવવા પંચમહાલમાં અનોખી લોકપરંપરા પુનઃ જીવંત: પુરુષોનો વેશ ધારણ કરી મહિલાઓએ પાડી ‘ધાડ’
હાથમાં ડંડા અને પુરુષોના વસ્ત્રો પહેરી મહિલાઓ રસ્તા પર ઉતરી: સામસામે ગામની મહિલાઓ વચ્ચે સર્જાયો પરંપરાગત ઉત્સવ
લોકવાયકા મુજબ જો ધાડ પાડવા જતી મહિલાઓના રસ્તામાં કોઈ પુરુષ સામો મળે તો તેને અત્યંત અપશુકનિયાળ માનવામાં આવે છે અને વિધિનો ભંગ થાય છે.
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ ચોમાસે વરસાદ ખેંચાતાં મકાઈ, ડાંગર સહિતના ખેતી પાકોને લઈને ધરતીપુત્રો ભારે ચિંતિત બન્યા છે. કુદરતને પ્રસન્ન કરવા અને મેઘરાજાને મનાવવા માટે તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્વજોના સમયથી ચાલી આવતી “ધાડ” પાડવાની અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને પડોશી ગામમાંથી ગાયોનું ધણ વાળી લાવે તો ઇન્દ્રદેવ પ્રસન્ન થતા હોવાની લોકમાન્યતા છે.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મકાઈ, ડાંગર સહિતના અન્ય ખેતી પાકને લઈને ચિંતિત બન્યા હતા. ચોમાસાની શરૂઆતમાં ઉત્સાહભેર વાવણી કર્યા બાદ અચાનક જ વરસાદ ગાયબ થઈ જતાં ખેડૂતોએ વાવેલા મોંઘાદાટ ખાતર અને બિયારણનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.ઊભો પાક પાણી વિના સૂકાઈ જવાની અને ખેતી સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવી ગંભીર પરિસ્થિતિમાં વરસાદને રીઝવવા અને કુદરતને પ્રસન્ન કરવા માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની અને અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી.તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિતના વિવિધ ગામોમાં ગ્રામજનોએ મેઘરાજાને મનાવવા માટે પૂર્વજોના સમયથી ચાલી આવતી પરંપરા ધાડ કાઢી હતી.ગ્રામ્ય સંસ્કૃતિમાં એવી અડગ લોકમાન્યતા અને આસ્થા પ્રવર્તે છે કે જ્યારે ચોમાસાની ઋતુમાં વરસાદ લાંબા સમય સુધી ખેંચાય કે રૂઠે, ત્યારે જો મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને પડોશી ગામમાંથી ગાયોનું ધણ વાળી લાવે, તો વરસાદના દેવતા ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને ધરતી પર અમૃતરૂપી કાચું સોનું વરસે છે.ગામની મહિલાઓએ વિધિવત ઉપવાસ રાખીને પુરુષોના વસ્ત્રો પરિધાન કર્યા હતા. હાથમાં લાકડીઓ, ડંડા, ધજા, શ્રીફળ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી પડી હતી. હોકારા-દેકારા અને ચીચિયારીઓ સાથે મહિલાઓ પગપાળા એક ગામથી બીજા ગામ ગયા હતા. સાજીવાવ ગામની મહિલાઓ મહેલાણ ગામે પહોંચીને ફળિયા અને મહોલ્લામાં બાંધેલા પશુઓ તથા ગાયોના ધણને છોડાવીને પોતાના ગામ તરફ વાળી લાવવાની રસપ્રદ વિધિ કરી હતી.લોકરીતિના નિયમ મુજબ, જે ગામની ગાયો આ રીતે વાળી જવામાં આવી હોય તે ગામની મહિલાઓ પણ પુરુષોના વસ્ત્રો પરિધાન કરી એકત્ર થઇ ને હાથમાં લાકડી લઈને પરંપરાગત આજ રીતે પોતાની ગાયોને પરત મેળવવા માટે સામેના ગામે આવ્યા હતા.બે ગામની મહિલાઓ જ્યારે સામસામે આવી ત્યારે એક અનોખો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવનો માહોલ સર્જાયો હતો. બંને બાજુની મહિલાઓએ પરંપરાગત રીત-રિવાજો મુજબ સામસામે આવીને ઉત્સાહભેર આ આખી વિધિ પૂર્ણ કરી હતી.
આ જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સમગ્ર પંથકમાં ભારે કૌતુક, ઉત્સુકતા તથા ગઢ આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.સ્થાનિક ગ્રામજન કૈલાશબેન ના જણાવ્યા અનુસાર, આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ પૂર્વજોના સમયથી ચાલી આવતી એક આસ્થા અને લોકપરંપરા છે. ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે ગામની મહિલાઓએ આ પ્રકારે વિધિ કરી છે અને તેના પરિણામે મેઘરાજા અવશ્ય પધાર્યા છે.હાલમાં વાવેતર કરેલો પાક સુકાઈ રહ્યો હોય ત્યારે ગ્રામજનોને દ્રઢ વિશ્વાસ છે કે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ કઠોર ઉપવાસ અને લોકવિધિથી મેઘરાજા ચોક્કસ રીઝાશે, વહેલી તકે પંથકમાં સારો વરસાદ પડશે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ હતી.
બોક્સ..વરસાદ ખેંચાય છે ત્યારે મહિલાઓ હાથમા ડંડા લઈને ધાડ પાડવા નીકળી પડે છે.અને રસ્તામા જો કોઈ પુરુષ મળે તો તેમને પણ માર પાડે છે,કારણ કે રસ્તામા ધાડ પાડવા જતા પુરુષ મળે તો તે અપશુકનિયાળ માનવામા આવે છે.જ્યારે આ મહિલાઓનુ ટોળુ નીકળે ત્યારે પુરુષો પણ આગળ આવતા નથી.ઢોલના તાલે નાચતા નાચતા મેઘરાજાને રિઝવવા માટે ગીતો પણ ગાતા હોય છે.વર્ષોની આ પરંપરા થકી વરસાદ આવતો હોય એવી લોકમાન્યતા રહેલી છે.