ઘોઘંબાની ગ્રામસભા મુદ્દે તંત્રની ઠંડક! રજૂઆત બાદ પણ તપાસનો અત્તોપત્તો નહીં

અરજદારોનો આક્ષેપ : રજાનું બહાનું આગળ ધરી તપાસને લંબાવાઈ રહી છે, દિવસો પસાર થતાં મુદ્દો દબાવવાનો પ્રયાસ?

ઘોઘંબા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં નિયમિત રીતે સામાન્ય સભા તથા ગ્રામસભા યોજાતી ન હોવાના આક્ષેપોને લઈને અરજદારો દ્વારા જીલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવ્યા બાદ તાલુકામાં આ મુદ્દો ગરમાયો હતો. જોકે, રજૂઆતને સમય વીતી ગયો હોવા છતાં જીલ્લા કચેરીમાં આ મુદ્દો જાણે માઇનસ ડિગ્રીમાં ઠંડો પડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.

ન્યાય મળશે અને સમગ્ર મામલે તપાસ થશે તેવી આશાએ રજૂઆત કરનાર અરજદારો હવે નિરાશ થવા લાગ્યા છે. અરજદારોનો આક્ષેપ છે કે, આટલા દિવસો વીતી ગયા છતાં તપાસ કેમ શ‚ કરવામાં આવી નથી? તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી.

અરજદારો જ્યારે સમગ્ર મામલે તપાસની પ્રગતિ જાણવા કચેરીએ પહોંચ્યા ત્યારે અધિકારી રજા પર હોવાથી કામગીરી થઈ શકી નથી તેવું કારણ આગળ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. એકાદ-બે દિવસની રજાના કારણે સમગ્ર કાર્યવાહી લાંબી ખેંચાય અને દિવસો પસાર થતા અરજદારો પણ થાકી જાય તેવી સ્થિતિ ઊભી થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા છે. તપાસ થશે કે સમય પસાર થશે? ગ્રામસભા અને સામાન્ય સભા જેવી લોકશાહી પ્રક્રિયા સાથે જોડાયેલી ગંભીર રજૂઆત પર હજુ સુધી કોઈ સ્પષ્ટ તપાસ હાથ ધરાઈ ન હોવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. શું તંત્ર દ્વારા ખરેખર તપાસ કરવામાં આવશે કે પછી આજે નહીં તો કાલેના બહાને સમય પસાર કરવામાં આવશે? તે જોવાનું રહ્યું.

અરજદારોમાં એવી પણ ચર્ચા છે કે, દિવસો લંબાવતા રહેવાથી અંતે રજૂઆત કરનાર લોકો પણ થાકી જાય અને મામલો આપોઆપ ઠંડો પડી જાય તેવી કોઈ વ્યૂહરચના તો નથી ને? ચોપડામાં વિકાસ, સ્થળ પર સવાલો ઘોઘંબા તાલુકામાં ગ્રામ પંચાયતોના વહીવટને લઈને અગાઉ પણ વિવિધ સવાલો ઉઠતા રહ્યા છે. અરજદારોનો આક્ષેપ છે કે તાલુકામાં કેટલાક સિનિયર તલાટીઓનો લાંબો વહીવટી અનુભવ અને અધિકારીઓ સાથેની નજીકના સંબંધોની ચર્ચાને કારણે સ્થાનિક સ્તરે ઉઠતા પ્રશ્નોને દબાવી દેવામાં આવતા હોવાની શંકા ઊભી થઈ રહી છે. આથી હવે સૌથી મોટો સવાલ એ છે કે ગ્રામસભા તથા સામાન્ય સભા અંગે થયેલી રજૂઆતની નિષ્પક્ષ તપાસ ક્યારે થશે? અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?

સ્થળ પર વિકાસના કામો ઓછા અને સરકારી ચોપડામાં વધુ દેખાતા હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામ પંચાયતોના વહીવટની પણ ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. હવે જીલ્લા તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને અરજદારોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું.