દેવ ચોકડીથી બાલાસિનોર તરફના વીરપુર રોડ પર દબાણનો કહેર, વારંવાર ટ્રાફિક જામ

દેવ ખારવા પુલ પર રોડની બાજુએ ગેરકાયદે દબાણ કરી દુકાનો ઉભી કર્યાના આક્ષેપ; ગ્રાહકો વાહનો રોડ પર જ પાર્ક કરતા અડધો માર્ગ બ્લોક, અકસ્માતનો ભય.

બાલાસિનોર-વીરપુર રોડ પર દેવ ચોકડીથી બાલાસિનોર તરફ આવતા માર્ગમાં દેવ ખારવા પુલ પાસે રોડની બંને બાજુ ગેરકાયદે દબાણ કરી દુકાનો ઉભી કરાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. દુકાનો પર ખરીદી કરવા આવતા લોકો પોતાના વાહનો રોડ પર જ આડેધડ પાર્ક કરતા હોવાથી અહીં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ પાસે રોડની જગ્યા પર દુકાનો અને લારીઓના કારણે વાહનોને પસાર થવા માટે પૂરતી જગ્યા રહેતી નથી. બીજી તરફ ગ્રાહકો રોડ પર જ વાહનો ઉભા રાખતા મુખ્ય માર્ગનો મોટો હિસ્સો અવરોધાઈ જાય છે, જેના કારણે એક સમયે બંને તરફથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે.ટ્રાફિક જામ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું.

ફોટોમાં પણ વાહનોની લાંબી કતારો અને રોડની બાજુએ ઉભેલા વાહનોના કારણે ટ્રાફિકની સ્થિતિ સ્પષ્ટ જોવા મળે છે. ખાસ કરીને મોટા ટ્રક, બસ, કાર અને ટુ-વ્હીલર એકસાથે પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પુલ પરની આ સ્થિતિને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.દબાણ દૂર કરવા સ્થાનિક લોકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની તાત્કાલિક તપાસ કરવામાં આવે, રોડની હદમાં થયેલા દબાણો અંગે કાર્યવાહી કરવામાં આવે અને રોડ પર આડેધડ પાર્કિંગ અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જાહેર માર્ગને દબાણમુક્ત કરી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સંજયભાઈ દેવ, સ્થાનિક…

દેવ ખારવા પુલ ઉપર ગેરકાયદેસર દુકાનોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. દુકાનો પર ખરીદી કરવા આવતા લોકો પોતાની ગાડીઓ રસ્તા ઉપર જ પાર્ક કરી દે છે, જેના કારણે રસ્તો સાંકડો થઈ જાય છે અને વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે. તંત્રએ આવા દબાણો તાત્કાલિક દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.