પૂર્વ IAS એસ.કે.લાંગાની બેનામી સંપત્તિનો પર્દાફાશ : જમીન કૌભાંડમાં ધરપકડ.

  • જમીન કૌભાંડમાં પૂર્વ IAS એસ.કે.લાંગાની ધરપકડ
  • પૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગાને ગાંધીનગર SP ઓફિસ લવાયા
  • SP ઓફિસમાં પોલીસે એસ.કે લાંગાની પૂછપરછ શરૂ કરી
  • ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે.લાંગાની કરવામાં આવી છે ધરપકડ

ગાંધીનગરના પૂર્વ IAS એસ.કે.લાંગાની જમીન કૌભાંડ મામલે ગઈકાલે માઉન્ટ આબુથી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેઓને માઉન્ટ આબુથી ગાંધીનગર SP કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. SP ઓફિસમાં પોલીસે એસ.કે લાંગાની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે રેન્જ IG અભય ચુડાસમા દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. 

મામલદારે સરકાર તરફથી નોંધાવી હતી ફરિયાદ
રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું કે, 2018-19ના ગાળમાં ગાંધીનગર કલેક્ટર તરીકે રહેલા એસ.કે. લાંગા વિરુદ્ધ મામલદારે સરકાર તરફથી ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે મૂળસાણા, પેથાપુર સહિતના ગામોની જમીનમાં વહીવટી ગેરરીતિ આચરી આર્થિક લાભ મેળવી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડ્યાની અને અપ્રમાણસર મિલકત વસાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે ડીવાયએસપી અમી પટેલના નેતૃત્વ હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી.  

લાંબા સમયથી ફરાર હતા એસ.કે.લાંગા
તેમણે જણાવ્યું કે, આ કેસમાં એસ.કે.લાંગા ફરાર હતા, તેમની  ધરપકડ માટે પોલીસ પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લાંગા માઉન્ટ આબુમાં સંતાયેલા છે. જે બાદ SIT ટીમ ત્યાં પહોંચી હતી. માઉન્ટ આબુના એક મકાનમાં  SIT ટીમે ઇલેક્ટ્રિસિટી બિલ માટે આવ્યાનું કહીને દરવાજો ખોલાવ્યો હતો. આ દરમિયાન એસ.કે.લાંગા અંદરથી મળી આવ્યા હતા. જે બાદ તેમને માઉન્ટ આબુથી ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. એસ.કે.લાંગાના રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ બાદ તેમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે. જે કાઈ હકીકતો નીકળશે તે આપને જણાવવામાં આવશે.  

તપાસમાં બેનામી સંપત્તિની માહિતી મળી છેઃ અભય ચુડાસમા
વધુમાં અભય ચુડાસમાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં 20 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં મૂળસાણા, પેથાપુર ગામનું પ્રકરણ સામે આવ્યું છે. તપાસમાં બેનામી સંપત્તિની માહિતી મળી છે. તેમની પાસે જૂનાગઢમાં 4 બંગલા અને માતરમાં જમીન છે. હજી ઘણી બધી માહિતી સામે આવી રહી છે. એસ.કે.લાંગાની અનેક પ્રોપર્ટી પણ મળી આવી છે. જમીન પ્રમાણપત્ર પણ શંકાસ્પદ છે. વધુ વિગતો પૂછપરછ બાદ સામે આવશે.

આ ભ્રષ્ટાચાર કેસમાં બળવંત ગઢવીનું પણ નામ સામે આવ્યું છે. બળવંત ગઢવી નામના પાર્ટનરનું પણ આ કેસમાં નામ સામે આવ્યું છે. તમને જણાવી દઇએ કે, બળવંત ગઢવી વટવા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા. વટવામાં બહારના ઉમેદવાર હોવા મુદ્દે વિરોધ થયો હતો. છતાં પૈસાના જોરે ટિકિટ મેળવી હોવાનો પણ તેમની પર આક્ષેપ થયો હતો . બળવંત ગઢવીએ ફોર્મમાં રૂ. 28.81 કરોડની સંપત્તિ દર્શાવી હતી.

એસ.કે.લાંગા સામે કેસ શું છે?

  • ગાંધીનગર પૂર્વ IAS એસ કે લાંગાની ધરપકડ
  • જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં કરાઇ ધરપકડ
  • જમીન કૌભાંડ સમયે ગાંધીનગરના કલેક્ટર હતા એસ.કે. લાંગા
  • ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે.લાંગાની થઇ ધરપકડ
  • સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે
  • ગાંધીનગરમાં કેતન ધૃવ નામના આરોપીએ કરી હતી ફરિયાદ 
  • ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂરઉપયોગ કરવા બાબતે થઇ હતી ફરિયાદ 
  • માતર વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યા હતા
  • કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને અપાવી
  • બિન ખેડૂતોને ખેડૂત બનાવી જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ કર્યુ