
અમદાવાદમાં રૂ.૧.૫૬ કરોડની ગંભીર આર્થિક ઠગાઈના કેસમાં એલિસબ્રિજ પોલીસ અને અમદાવાદ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાંથી નિખિલ ખલાસ નામના આરોપીને ઝડપી પાડ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંબંધિત કંપનીમાં હેડ ઓફ સપોર્ટ તરીકે ફરજ બજાવતો હતો. નોકરી દરમિયાન મળેલા એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને તેણે કંપનીના સિસ્ટમમાં ગેરરીતિઓ આચરી હતી અને કુલ રૂ.૧.૫૬ કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન પોલીસે આરોપી સામે પુરાવા એકત્રિત કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં રૂ.૬૧.૪૪ લાખની રકમ ફ્રીઝ કરાવી છે, જેથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલી રકમના ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી શકાય.
આ ઉપરાંત આરોપી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ ફોન અને એક લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ડિજિટલ ઉપકરણોમાંથી વધુ મહત્વના પુરાવા મળી શકે તેવી સંભાવના હોવાથી ફોરેન્સીક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.