ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વિરોધ: દાહોદ જીલ્લા વકીલ મંડળની અચોક્કસ મુદતની હડતાળ

કોર્ટ કામગીરી ઠપ, ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો અને પેપર-ફોન્ટ નીતિ સામે વકીલોનો વિરોધ દાહોદ જીલ્લા વકીલ મંડળ દ્વારા તમામ ન્યાયિક કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો અચોક્કસ મુદતનો નિર્ણય,અ૪ સાઈઝ પેપર અને ચોક્કસ ફોન્ટ્સના ફરજીયાત ઉપયોગથી ટાઈપિંગ તથા વહીવટી કામકાજમાં તકલીફનો દાવો જીલ્લા અને તાલુકા અદાલતોમાં કામકાજ થંભી જતાં કાનૂની કાર્યવાહી માટે આવતા અસીલો અટવાયા ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની અદાલતોમાં ન્યાયિક ફાઈલિંગ અને કામગીરી માટે અમલી કરાયેલા નવા નિયમોના વિરોધમાં દાહોદ જીલ્લા વકીલ મંડળે સખત વલણ અપનાવ્યું છે. વકીલ મંડળ દ્વારા તમામ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહીને અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટના નવા પરિપત્રને કારણે રોજિંદા કાનૂની કામકાજમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ હોવાનો દાવો કરીને વકીલોએ આ નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, અદાલતી કામકાજ અને પિટિશન ફાઈલિંગ માટે અ૪ સાઈઝના પેપર તેમજ ચોક્કસ ફોન્ટ્સ (જેમકે, નોટો સન્સ, નોટો સેરીફ, લોહિત ગુજરાતી વગેરે)નો ઉપયોગ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. દાહોદ જીલ્લા વકીલ મંડળના જણાવ્યા મુજબ, આ નવી સિસ્ટમ અને કડક ફોન્ટ નિયમોના લીધે વકીલો તથા ટાઈપિસ્ટોને રોજિંદા કાનૂની દસ્તાવેજોના ટાઈપિંગ અને વહીવટી પ્રક્રિયામાં ગંભીર ટેકનિકલ સમસ્યાઓ નડી રહી છે. વિવાદિત પરિપત્ર ત્વરિત રદ કરવામાં આવે અથવા તેમાં યોગ્ય વ્યાવહારિક સુધારા કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ સાથે જીલ્લાના તમામ વકીલોએ એક જૂટ થઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે. આ વિરોધ પ્રદર્શનના પગલે દાહોદ જીલ્લા મુખ્ય કોર્ટ સહિત તમામ તાલુકા મથકોની અદાલતોમાં ન્યાયિક કામગીરી પૂરી રીતે ખોરવાઈ ગઈ છે, જેના કારણે પોતાના કેસ અને કાનૂની કામકાજ માટે દૂર-દૂરથી આવતા અસીલોને ભારે આર્થિક અને સમયનો ભોગ બનવું પડી રહ્યું છે.