દાહોદ જિલ્લાના સીંગવડ અને લીમખેડા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ ચોરી સામે મેગા ડ્રાઈવ હાથ ધરી ૧૨૬ સ્થળોએ વીજ ચોરી ઝડપી પાડી છે. વીજ અધિનિયમ હેઠળ રૂ૧૬ લાખથી વધુનો દંડ ફટકારતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સીંગવડ અને લીમખેડા તાલુકામાં વહેલી સવારથી જ વીજ ચોરી અટકાવવા માટે વિશેષ મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.કંપનીની વિવિધ ટીમોએ બંને તાલુકાના અનેક ગામોમાં વીજ જોડાણોની સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કુલ ૧૨૬ સ્થળોએ ગેરકાયદે વીજ વપરાશ અને ચોરીના કિસ્સાઓ ઝડપાયા હતા. એમજીવીસીએલના અધિકારીઓએ વીજ અધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી તમામ કેસોમાં મળી કુલ .૧૬ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. એકસાથે થયેલી આ વ્યાપક કાર્યવાહીથી વીજ ચોરી કરતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. એમજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, વીજ ચોરીના કારણે કંપનીને કરોડો રૂપિયાનુ આર્થિક નુકસાન થાય છે અને તેનો સીધો જ બોઝ નિયમિત બિલ ચુકવતા ગ્રાહકો પર પડે છે. આથી વીજ ચોરીને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. આગામી દિવસોમાં પણ જિલ્લા ભરમાં આવી જ સઘન ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખી વીજ ચોરી કરતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.