છોટા ઉદેપુરમાં ભારે વરસાદ, હેરણ નદીમાં ઘોડાપૂર : રાજવાસણાનો રબર ડેમ પાણીમાં ગરકાવ થયો

છોટા ઉદેપુર જીલ્લામાં મુશળધાર વરસાદને કારણે હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઘોડાપૂરના કારણે રાજવાસણા ખાતેનો રબર ડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

જીલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પણ અતિવૃષ્ટિ થતાં નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે. જીલ્લાની બીજી સૌથી મોટી નદી ગણાતી હેરણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા રાજવાસણા ખાતે નવો બનાવેલો રબર ડેમ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. હેરણ નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.