પાવીજેતપુર તાલુકાના કદવાલ જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ઝરી સહિતના વિસ્તારોને અલગ કરી એક સ્વતંત્ર ઝરી જુથ ગ્રામ પંચાયત બનાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સામે લેખિત રજુઆત કરી છે.
હાલ ઝરી ગામ કદવાલ જુથ ગ્રામ પંચાયત સાથે જોડાયેલુ છે. ઝરી ગામમાં ૨,૨૪૮ ની વસ્તી, ભાભરમાં ૯૧૭ ની વસ્તી અને કાલિકોઈ ગામમાં ૩૮૪ ની વસ્તી ધરાવે છે. ગામોના અંતરમાં કદવાલથી ઝરી ૪ કિ.મી., કાલિકોઈ ૩ કિ.મી.અને ભાભર ૩ કિ.મી.નુ અંતર ધરાવે છે. ગ્રામજનોની રજુઆત મુજબ હાલ સંયુકત વ્યવસ્થાથી વિકાસ કાર્યો, શાસકીય યોજનાનો લાભ અને સ્થાનિક પ્રશ્ર્નોનુ નિરાકરણ લાવવા મુશ્કેલી પડે છે. ગ્રામિણ સ્તરે પાયાગત સુવિધાના પ્રશ્ર્નો લાંબા સમયથી વણઉકેલ્યા રહે છે. વિભાજનની માંગથી કદવાલ જુથ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ જલીબેન રાઠવાએ જણાવ્યુ કે, ઝરી, ભાભર અને કાલિકોઈ ગામની વસ્તી અને કદવાલ મુખ્ય મથકથી તેમનુ અંતર ધ્યાને લેતા વહીવટી સરળતા માટે આ ગામો છુટા પડે તે જરી છે. વિશાળ વિસ્તાર અને મોટી વસ્તીથી છેવાડાના વિસ્તારો સુધી વિકાસ કાર્યોનુ યોગ્ય મોનીટરીંગ કરવામાં મુશ્કેલી પડે છે. જો ઝરી જુથ ગ્રામ પંચાયત અલગ બને તો સ્થાનિક પ્રજાના પ્રશ્ર્નો ત્યાં જ ઉકેલાઈ જશે અને વહીવટ વધુ મજબુત બનશે. ગ્રામજનોની મુખ્ય માંગ ઝરી, વડલી અને ભાભર અને કાલિકોઈ વિસ્તારોની ભોૈગોલિક પરિસ્થિતિએ અને સ્થાનિક વિકાસની જરિયાતોને ધ્યાનમાં રાખી તેમને કદવાલ જુથ ગ્રામ પંચાયતમાંથી સંપુર્ણ રીતે છુટા પાડે. તે બાદ આ તમામ વિસ્તારોને સમાવીને એક નવી અને સ્વતંત્ર ઝરી જુથ ગ્રામ પંચાયત જાહેર કરે તેવી માંગ કરી છે.