છોટાઉદેપુર જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ નસવાડીની ૮ મંડળીઓને નોટિસ ફટકારી

છોટાઉદેપુર જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા નસવાડીની ૮ મંડળીઓને નોટિસ ફટકારી છે. ૮ મંડળીઓના સંચાલકોના કામગીરી સામે લોકોએ વાંધો લીધો છે. જેને લઈને જિલ્લા રજીસ્ટર મંડળીના સંચાલકોને પુર્તતા કરવા માટે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી છોટાઉદેપુર ખાતે હાજર થવાનુ ફરમાન જિલ્લા રજીસ્ટ્રારે કર્યુ છે.

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ મતદાર યાદી ફાઈનલ કરવા માટે જિલ્લા રજીસ્ટરની કચેરીના અધિકારીઓ દ્વારા જે મંડળીઓ ખેડુત વિભાગમાંથી મત અધિકાર મેળવે છે તે મંડળીઓની કામગીરીનુ નિરીક્ષણ જિલ્લા રજીસ્ટારની કચેરી દ્વારા કરાય છે. આ મંડળીઓ સામે સ્થાનિક લોકોએ વાંધો લેતા ૮ જેટલા સંચાલકોને જિલ્લા રજીસ્ટ્રારે નોટિસ આપી છે. અને મત અધિકાર મેળવવો હશે તો તેઓને તાત્કાલિજ જે લોકોએ વાંધા આપ્યા છે તે વાંધાઓની પુર્તતા કરવી ૫ડશે. તેમાં મંડળી સંચાલકો પુર્તતા કરવામાં નિષ્ફળ જશે તો મંડળીઓને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં મત અધિકારનો હકક છીનવાઈ જશે. જે મંડળીઓ ખેડુતના હિત માટે કામગીરી કરતી નથી તેવી મંડળીઓને એપીએમસીમાં મત અધિકારથી વંચિત રખાશે. હાલ તો જિલ્લા રજીસ્ટ્રારની કામગીરીથી નસવાડી તાલુકાના ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે મંડળીઓ બનાવીને સરકારી લાભો ખેડુતો સુધી પહોંચાડવામાં મંડળીના સંચાલકો નિષ્ફળ રહ્યા છે.