
ગોધરા વિધાનસભા ક્ષેત્રના ઓરવાડા ખાતે આવેલી રળિયાતા પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત આજે ૦૪ નવા વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત એ.પી.એમ.સી. ગોધરાના ચેરમેન શ્રી માલવદીપસિંહ રાઉલજીના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના શિક્ષણ વિકાસના ઉદાત્ત ધ્યેયને અનુરૂપ નિર્માણ પામનારા આ ચારેય નવા વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ સહિતની તમામ આધુનિક પાયાની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને સ્થાનિક કક્ષાએ જ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્કૃષ્ટ માળખાકીય સગવડો મળી રહેશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થશે.
કાર્યક્રમના અધ્યક્ષ અને એ.પી.એમ.સી. ચેરમેન શ્રી માલવદીપસિંહ રાઉલજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “રાજ્ય સરકાર ગ્રામીણ સ્તરે ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક શિક્ષણ પૂડું પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાળામાં નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ બનવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરનું શૈક્ષણિક વાતાવરણ મળશે. આગામી સમયમાં પણ આ ક્ષેત્રના બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અવિરત મળતો રહેશે.અને વિસ્તારની અન્ય શાળાઓમાં પણ નવા ઓરડાઓ આપણા ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી દ્વાર મંજૂર કરવામાં આવેલા છે જેનો પણ ખાતમુહુર્ત થનાર છે.
આ પ્રસંગે પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અરવિંદસિંહ પરમારે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “આ ૦૪ નવા વર્ગખંડો વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી સાહેબની વિશેષ ભલામણ અને જિલ્લા શિક્ષણ સમિતિના સઘન પ્રયાસોના પરિણામે મંજૂર થયા છે.” તેમણે આ ભગીરથ કાર્ય બદલ ધારાસભ્યશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર ગ્રામજનો વતી આભારની લાગણી વ્યક્ત કરી ઉમેર્યું હતું કે આવા વિકાસલક્ષી કાર્યો ગ્રામીણ બાળકોની પ્રગતિ માટે અત્યંત અનિવાર્ય છે.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અને દંડક શ્રીમતિ જયશ્રીબેન પરમાર, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અરવિંદસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ લીલાબેન સંજયભાઈ પટેલ,ઉપ પ્રમુખ પરસોતમભાઈ પટેલ, ગ્રામપંચાયતના સરપંચ, પંચાયત સભ્યો, સર્વશિક્ષા અભિયાનના ઉચ્ચ અધિકારીઓ, શાળાના આચાર્યશ્રી સહિત સમગ્ર શાળા પરિવાર તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહી ગ્રામજનો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.