
છોટાઉદેપુર જીલ્લા આરોગ્ય શાખા દ્વારા જીએમડીસી કડીપાણીના સહયોગથી કવાંટ તાલુકામાં ટીબીના ૧૨૮ દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર યોજના હેઠળ આ કીટ આપવામાં આવી હતી.
સરકાર દ્વારા ટીબીના દર્દીઓને મફત નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવે છે, તેમજ તેમના બેંક ખાતામાં દર મહિને એક હજાર પિયા જમા કરાવવામાં આવે છે. જોકે, આર્થિક રીતે નબળા દર્દીઓમાં પૌષ્ટિક આહારનો અભાવ ન રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી નિક્ષય મિત્ર યોજના હેઠળ વધારાની પૌષ્ટિક આહાર કીટ પૂરી પાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જીએમડીસી કડીપાણીના જનરલ મેનેજર આકાશ દીપ શાહ, આસિસ્ટન્ટ મેનેજર અજય રાઠવા, સીએસઆર મેનેજર પ્રતિક સુતરીયા અને પ્રહલાદ સિંહ તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા આરોગ્ય શાખામાંથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવા, જીલ્લા ક્ષય અધિકારી ડો. બી.એમ. ચૌહાણ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એ. પઠાન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ૧૨૮ લાભાર્થી દર્દીઓ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઈઝર રણછોડભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, જીલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવાએ જીલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર વતી કાર્યક્રમના સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.