
સિવિલ પહોંચતા આઈ.સી.યુ.માં ખસેડાઈ.
ભચથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી ગોધરા-ઝાંસી એક્સપ્રેસ ટ્રેનમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ટ્રેન જ્યારે ગોધરા નજીક ડેરોલ ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જનરલ કોચમાં મુસાફરી કરી રહેલી ૩ વર્ષની માસૂમ બાળકી કુલસુમ બાનુંને અચાનક શ્ર્વાસ લેવામાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી. બાળકીની સ્થિતિ બગડતાં જ આખા કોચમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
પરિવારજનોએ તાત્કાલિક મદદ મેળવવા માટે રેલવે પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કમનસીબે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.ગોધરા રેલવે સ્ટેશન પર આવી પહોંચતા, બાળકીના કાકા જાવેદખાન અને પરિવારજનો માસૂમને લઈને પ્લેટફોર્મ નંબર ૩ પર ઉતરી પડ્યા હતા.
સમયસૂચકતા વાપરીને તેઓ બાળકીને તેડીને પ્લેટફોર્મ પરથી બહાર તરફ દોડ્યા હતા.સ્ટેશન બહાર કોઈ એમ્બ્યુલન્સ હાજર ન હોવાથી, સ્થાનિક લોકોની મદદ મેળવી બાળકીને તાત્કાલિક રિક્ષામાં બેસાડી ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીની ગંભીર સ્થિતિને જોતા તેને તુરંત જ આઈ.સી.યુ.(ICU) માં દાખલ કરવામાં આવી છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
૧૦૮ અને ઈમરજન્સી સેવા ન લાગી મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીના ઓરાઈ ગામના વતની ભારે હૈયે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે,”હું મારી ભાભીને લેવા ભચ આવ્યો હતો. પરત જતી વખતે ટ્રેનમાં મારી ૩ વર્ષની ભત્રીજી કુલસુમની તબિયત અચાનક બગડી ગઈ હતી.
બોકસ:
ચાલુ ટ્રેને અમે મદદ માટે અનેક વાર ઈમરજન્સી કોલ કર્યા. પરંતુ એક પણ કોલ લાગ્યો નહીં. ગોધરા સ્ટેશને ઉતર્યા બાદ પણ કોઈ સરકારી એમ્બ્યુલન્સની મદદ ન મળતા અમારે રિક્ષાનો સહારો લેવો પડ્યો. જો સ્થાનિક લોકોએ મદદ ન કરી હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત.:- જાવેદખાન, બાળકીના કાકા…