ઘોઘંબાના દામણપુરા પાસે કાર પલ્ટી વીજ પોલ સાથે અથડાઈ સદનસીબે મોટી જાનહાનિ ટળી

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુ‚વારે પાંચપથરા ગામથી આગળ દામણપુરા ગામ પાસે ઘોઘંબા-દેવગઢ બારિયા માર્ગ પર એક કાર અકસ્માતનો ભોગ બની હતી. કાર અનિયંત્રિત થઈ પલટી મારી રસ્તા કિનારે આવેલા વીજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આ કાર દેવગઢ બારિયાથી વડોદરા તરફ જઈ રહી હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. કારમાં બે લોકો સવાર હતા. બંનેએ સીટ બેલ્ટ પહેરેલા હોવાથી તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ગંભીર જાનહાનિ ટળી હતી. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકો અને પ્રશાસને રાહતનો શ્ર્વાસ લીધો હતો.