ફતેપુરામાં ૧૦ વર્ષમાં ૭૦૦ આવાસો પાછળ ૮૪ કરોડનો ખર્ચ છતાં ગરીબ પરિવારો ઢોરના કોળિયા કે પ્લાસ્ટિકના ઢાળિયા નીચે રહેવા મજબુર

ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦ વર્ષમાં તબકકાવાર આજદિન સુધી સુખસર અને ફતેપુરા વિસ્તારમાં ૭,૦૦૦ કરતા વધુ આવાસોની ફાળવણી કરાઈ છે. અને તેની પાછળ ૮૪ કરોડ ‚પિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જોકે તંત્રના મોટા દાવાઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે, આ જ તાલુકામાં આજે પણ ગરીબી રેખા નીચે જીવતા અસંખ્ય જ‚રિયાતમંદ પરિવારો ખુલ્લા આસમાન નીચે, ઢોરના કોટમાં કે પ્લાસ્ટિકના ઢાળિયામાં પશુતુલ્ય જીવન જીવવા મજબુર બન્યા છે. સ્થાનિક તલાટી, સરપંચથી લઈને તાલુકા વિકાસ અધિકારી સુધી અનેક રજુઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને ફાઈલો અથડાઈને પાછી આવે છે. આવી જ હૃદયદ્રાવક સ્થિતિ વલુંડી ગામે રહેતા બરજોડ પરિવારની છે. આ ગરીબ પરિવારનુ જુનુ કાચુ મકાન તુટી જતાં તેઓ બાજુમાં લાકડાનુ નાનુ ઢાળિયુ બનાવી દિવાલો વિનાના ખુલ્લા આસરામાં રહે છે. ઉનાળાનો આકરો તાપ કે ચોમાસાનો વરસાદ આ પરિવારે ખુલ્લામાં જ કુદરતની માર વેઠવી પડે છે. આર્થિક સ્થિતિ અત્યંત દયનીય હોવાથી તુટેલા મકાનમાં એક ખુણામાં પ્લાસ્ટિક ઢાંકીને છોકરાઓના ચોપડા અને કપડા સાચવવા પડે છે. વલુંડી ઉપરાંત પાટવેલ અને સલરા, આપતળાઈ, કંકાસિયા સહિતના અનેક ગામોમાં હજુ પણ અસંખ્ય પરિવારો પાકા ધરની આશામાં દિવસો વિતાવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર માત્ર કાગળ પર વિકાસ બતાવવાને બદલે આવા વાસ્તવિક ગરીબો સુધી પહોંચી આવાસ મંજુર કરે તે અનિવાર્ય છે.