ગોધરાના લોટસ ટેમ્પલ પાસે નાકાબંધી કરીને એલસીબી પોલીસે એક ઈસમને ચોરીના સોનાના દાગીના, મોબાઈલ અને બાઈક સાથે ઝડપી પાડી ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે. ચોરી થયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરી લીધો છે.
ગોધરાના અક્ષર આર્શિવાદ સોસાયટીના કમ્પાઉન્ડમાં રહેતો અને શહેરાના સંભાલી ગામનો દશરથભાઈ ઉર્ફે કેતન રત્નાભાઈ પગી નામનો ઈસમ ચોરીના સોનાના દાગીના લઈને વેચવા માટે પોતાની બાઈક લઈને અક્ષર આર્શિવાદ સોસાયટીથી લોટસ મંદિર તરફ જવાનો છે. જે બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોએ લોટસ ટેમ્પલ નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી દશરથને ઝડપી લીધો હતો. દશરથ પાસેના દાગીના અંગે આધાર-પુરાવા માંગતા તે રજુ કરી શકયો ન હતો. પોલીસે તેની પાસેથી સોનાની ૫ વિંટી, સોનાનુ એક મંગળસુત્ર, સોનાની ૧ ચેઈન, સોનાની ૧ જેન્ટ્સ લકકી, સોનાની કાનની બે, અને એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા ૩૦ વર્ષિય દશરથ ઉર્ફે કેતન પગીની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, ૨૩ મેના રોજ બપોરે તે પોતાની બાઈક લઈને ગોધરા વાવડીની પ્રમુખ આર્શિવાદ સોસયાટીમાં ગયો હતો. ત્યાં એક બંધ મકાનની બારીમાંથી હાથ નાંખી પાછળના દરવાજાનો સ્ટોપર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. અને કબાટમાં રાખેલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ કબુલાતના આધારે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં આવ્યો હતો.