દાહોદ જિલ્લાના ગુ ગોવિંદ લીમડી તાલુકાના કચલધરા ગામે જીઆઈડીસી માટે ચાલી રહેલ જમીન માપણી સામે સ્થાનિક ગ્રામજનોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. કચલભરા ગામની સરકારી ખરાબાની સર્વે નં.-૩૨ વાળી જમીનમાં ડીઆઈએલઆર દાહોદ દ્વારા જીઆઈડીસી સ્થાપવા માપણી હાથ ધરાતા જ સ્થાનિકોમાં ચિંતા અને આક્રોશ ફેલાયો હતો. આ કામગીરીના વિરોધમાં કચલધરા પ્રા.શાળા ખાતે ખાસ ગ્રામસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ગ્રામસભામાં ચર્ચા મુજબ અહિંના લોકો પરંપરાગત રીતે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જો આ વિસ્તારમાં ઓૈદ્યોગિક વસાહત આવશે તો કિંમતી જમીન, જળસ્ત્રોત, અને જંગલો નાશ પામશે. જેનાથી રોજીરોટી છીનવાઈ જવાનો અને પર્યાવરણ બગડવાનો મોટો ભય છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે, જીઆઈડીસી માટેની જમીન ઝાલોદ તાલુકામાં લેવાની નકકી થઈ હોવા છતાં કચલધરાના સર્વે નં.-૩૨માં આ માપણી કેમ કરાય છે જે તદ્દન અન્યાયકર્તા છે. સભામાં આ પ્રસ્તાવ સામે સખ્ત વિરોધ નોંધાવતો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. ગ્રામજનોએ ચિમકી આપી છેકે, જો પ્રશાસન દ્વારા આ વિવાદાસ્પદ સર્વે અને માપણી તાત્કાલિક રદ્દ નહિ કરાય તો સમગ્ર ગામ એકજુથ થઈને સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે. આ ઠરાવની નકલ ઉચ્ચકક્ષાએ મોકલી વિરોધ નોંધાવાયો છે.